Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાને પછાડીને ચીન ફરી બન્યું ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર

અમેરિકાને પછાડીને ચીન ફરી બન્યું ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર

Published : 17 April, 2026 10:40 AM | IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૫૧.૧ અબજ ડૉલરનો વેપાર થતાં ૧૧૨.૧૬ અબજ ડૉલર સુધી પહોંચી ગઈ વેપારખાધ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં ભારતના વિદેશવેપારના આંકડાઓમાં મોટો ઊલટફેર જોવા મળ્યો છે. છેલ્લાં ૪ વર્ષથી ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર રહેલું અમેરિકા હવે બીજા સ્થાને ધકેલાયું છે અને ચીન ફરી એક વાર પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. જોકે આ દરમ્યાન ચીન સાથે ભારતની વેપારખાધ પણ વધીને ૧૧૨.૧૬ અબજ ડૉલરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ છે.
સરકારી આંકડાઓ મુજબ ૨૦૨૫-’૨૬માં ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૫૧.૧ અબજ ડૉલર રહ્યો હતો. આ ગાળા દરમ્યાન ચીન ખાતે ભારતની નિકાસ ૩૬.૬૬ ટકા વધીને ૧૯.૪૭ અબજ ડૉલર થઈ છે, પરંતુ એની સામે આયાત પણ ૧૬ ટકાના વધારા સાથે ૧૩૧.૬૩ અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. પરિણામે વેપારખાધ જે ૨૦૨૪-’૨૫માં ૯૯.૨ અબજ ડૉલર હતી એ વધીને ૧૧૨.૬ અબજ ડૉલર થઈ ગઈ છે.

અમેરિકા સાથેના વેપારની સ્થિતિ
બીજી તરફ અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધોમાં નિકાસમાં માત્ર ૦.૯૨ ટકાનો સામાન્ય વધારો નોંધાયો છે જે ૮૭.૩ અબજ ડૉલર રહી છે, જ્યારે અમેરિકાથી થતી આયાત ૧૫.૯૫ ટકા વધીને ૫૨.૯ અબજ ડૉલર પર પહોંચી છે. આ કારણે અમેરિકા સાથેનો ભારતનો વેપાર વધારો (Trade Surplus) ૪૦.૮૯ અબજ ડૉલરથી ઘટીને ૩૪.૪ અબજ ડૉલર થયો છે.



વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ૨૦૧૩-’૧૪થી ૨૦૧૭-’૧૮ અને ફરી ૨૦૨૦-’૨૧માં ચીન ભારતનું ટોચનું ટ્રેડિંગ પાર્ટનર રહ્યું હતું. ૨૦૨૧-’૨૨થી અમેરિકા આ સ્થાને હતું જે હવે ફરી બદલાયું છે.


નિકાસ ક્યાં વધી, ક્યાં ઘટી
ગયા નાણાકીય વર્ષમાં ભારતની નિકાસમાં નેધરલૅન્ડ્સ, યુકે, સિંગાપોર અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઘટાડો જોવા મળ્યો છે; જ્યારે UAE, જર્મની, ઇટલી અને વિયેટનામ જેવા દેશોમાં નિકાસમાં હકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. આયાતની વાત કરીએ તો રશિયા, ઇરાક અને ઇન્ડોનેશિયાથી થતી આયાતમાં ઘટાડો નોંધાયો છે; જ્યારે સ્વિટ્ઝરલૅન્ડ, જપાન અને દક્ષિણ કોરિયાથી આયાત વધી છે.

ચીન સાથે વધતી જતી નિર્ભરતા અને વિક્રમી વેપારખાધ ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે, જેની સીધી અસર સ્થાનિક ઉત્પાદનક્ષેત્ર પર પડી શકે એમ છે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 10:40 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK