વિદેશપ્રધાને કૅનેડાએ મૂકેલા આરોપોની અમેરિકન વિદેશપ્રધાનની સાથે ચર્ચા કરી
વૉશિંગ્ટનમાં ગુરુવારે વિદેશપ્રધાન એસ. જયશંકર અને અમેરિકાના વિદેશપ્રધાન ઍન્ટની બ્લિન્કન.
વૉશિંગ્ટન: અમેરિકન વિદેશપ્રધાન ઍન્ટની બ્લિન્કને ગુરુવારે વૉશિંગ્ટનમાં વિદેશપ્રધાન એસ. જયશંકર સાથેની મીટિંગ દરમ્યાન હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કૅનેડા દ્વારા કરવામાં આવતી તપાસમાં સહકાર આપવા ભારતને અપીલ કરી હતી. અમેરિકાના એક અધિકારીને ટાંકીને ન્યુઝ એજન્સી રૉયટર્સે આ માહિતી આપી હતી. જયશંકરે બ્લિન્કને જવાબમાં પુરાવા માગ્યા હતા.
જયશંકર વૉશિંગ્ટન ડીસીની પાંચ દિવસની ઑફિશ્યલ વિઝિટ પર છે. નવી દિલ્હીમાં G20 સમિટ બાદ અમેરિકા અને ભારત વચ્ચે આ સર્વોચ્ચ સ્તરની વાતચીત છે.
કૅનેડા પર વધુ શાબ્દિક પ્રહાર કરતાં જયશંકરે કહ્યું કે આ દેશ ઉગ્રવાદી તત્ત્વોને આશ્રય આપી રહ્યો છે અને ભારતે આ સંબંધે અમેરિકા સમક્ષ એની ચિંતા રજૂ કરી છે. જયશંકરે ગઈ કાલે વૉશિંગ્ટન ડીસીમાં એક થિન્ક ટૅન્ક ખાતે ચર્ચા દરમ્યાન એક સવાલના જવાબમાં આમ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે ‘કૅનેડિયન વડા પ્રધાને આરોપ મૂક્યા હતા, શરૂઆતમાં ખાનગીમાં અને એ પછી જાહેરમાં. ખાનગીમાં અને જાહેરમાં તેમને અમારો જવાબ હતો કે તેઓ જે આરોપ મૂકી રહ્યા છે એ અમારી નીતિને સુસંગત નથી. જો તેમની સરકાર પાસે કાંઈ પણ પ્રસ્તુત અને ચોક્કસ માહિતી હોય તો તેઓ અમને આપે અને અમે એ બાબતે તપાસ કરીશું.’
જયશંકરે એક્સ પ્લૅટફૉર્મ પર ગઈ કાલે લખ્યું હતું કે ‘મારા ફ્રેન્ડ બ્લિન્કન સાથેની મારી મુલાકાત ગ્રેટ રહી. વ્યાપક મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી. વૈશ્વિક ઘટનાક્રમ બાબતે પણ વિચારોનું આદાનપ્રદાન થયું.’


