સાડાત્રણ વર્ષથી જર્મનીના ફોસ્ટર કૅર સેન્ટરમાં ઊછરી રહેલી જૈન બાળકી વિશે મળ્યો શુભ સંકેત
અરિહા શાહ મમ્મી-પપ્પા સાથે.
એના માટે મુંબઈથી ખાસ લુક ઍન્ડ લર્ન નામની પાઠશાળાની ૨૨ વર્ષની યુવતી બર્લિન ગઈ હતી : જર્મન સરકારની આ પહેલને આશાનું કિરણ માનીને અરિહાનાં મમ્મી-પપ્પા અને જૈન સમાજ હવે રાહ જોઈ રહ્યાં છે તેના પાછા ભારત ફરવાની
જર્મનીના ફોસ્ટર કૅર સેન્ટરમાં સાડાત્રણ વર્ષથી મમ્મી-પપ્પાથી દૂર ઊછરી રહેલી ભારતીય મૂળની જૈન દીકરી અરિહા શાહને જર્મનીના ફોસ્ટર કૅર સેન્ટર તરફથી પહેલાં તેનાં મમ્મી-પપ્પાને મળવાની અને હવે પ્રથમ વખત જૈનોના પયુર્ષણ પર્વની ઉજવણી કરવાની છૂટ મળી હતી. અરિહાને જૈન તહેવારની આરાધના કરાવવા મુંબઈથી ખાસ લુક ઍન્ડ લર્ન નામની પાઠશાળાની બાવીસ વર્ષની ધ્રુવી વૈદ બર્લિન ગઈ હતી, જ્યાં તેને માત્ર બે દિવસ અરિહાને એક-એક કલાક મળવાની મંજૂરી મળી હતી. જોકે ધ્રુવી બે દિવસમાં અરિહાને જૈન ધર્મનું જ્ઞાન આપવામાં સફળ રહી હતી. જર્મન સરકારની આ શરૂઆતથી પ્રભાવિત થઈને જૈન સમાજ અને અરિહાના સ્વજનો કહે છે કે ‘બે દિવસથી ભારતના વિદેશપ્રધાન ડૉ. જયશંકર જર્મનીમાં છે; જૈન મુનિએ આટલું મોટું કાર્ય કર્યું તો હવે ક્યારે તેઓ અરિહાને પાછી ભારતમાં લાવે છે? આપણા દેશના વડા પ્રધાન તેમના હસ્તે અરિહાને તેનાં મમ્મી-પપ્પાને સોંપે એ દિવસની હવે અમે રાહ જોઈએ રહ્યા છીએ.’
અરિહાને દેશમાં પાછી લાવવા માટે સતત પ્રયાસ કરી રહેલા અમદાવાદના અરિહા બચાવો ટીમના યતીન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધ્રુવી વૈદ છેલ્લા કેટલાય સમયથી જૈન પાઠશાળામાં જઈને નાનાં બાળકોને જૈન ધર્મનું જ્ઞાન આપે છે. તે જર્મન ભાષાની બી-ટૂ લેવલની જાણકાર છે. ધ્રુવીએ અરિહાને પર્યુષણ પર્વના આ બે દિવસમાં જૈન ધર્મના સૌથી વિશેષ મંત્ર નવકાર મંત્ર, ક્ષમાપના માટે જેનું મહત્ત્વ છે એ જૈન ધર્મના સૂત્ર તસ્સ મિચ્છા મિ દુક્કડં, માંગલિક, ઉવસગ્ગહરં સૂત્ર શીખવાડ્યાં હતાં. આની સાથે અરિહાને ગિરનાર તીર્થ, પાલિતાણા તીર્થ, ભગવાન મહાવીર, ભગવાન પાર્શ્વનાથનાં ચિત્રપટ દ્વારા દર્શન કરાવવામાં આવ્યાં હતાં. જૈનોના તીર્થંકર-ભગવંતોની તેને ઓળખ કરાવી હતી. અરિહાને નાના જીવોની રક્ષા કેવી રીતે કરવી એની સાથે જીવદયાના પાઠ શીખવાડ્યા હતા. આ સમાચારથી દેશ અને વિદેશના જૈન સમાજમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. પહેલી વખત એવું બન્યું કે અરિહાને કોઈ ભારતીયને મળવાની છૂટ મળી હતી.’
સકલ જૈન સમુદાય વતી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબના શિષ્ય પરમ વિનમ્રમુનિ મહારાજસાહેબ છેલ્લા એક વર્ષથી ભારતમાં જર્મન એમ્બેસી અને બર્લિનમાં જર્મન વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. અરિહા ભારત પાછી ફરે ત્યાં સુધી જર્મનીમાં અરિહા જૈન ધર્મ, ગુજરાતી ભાષા શીખી શકે એ માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. એક વર્ષની જહેમત પછી તેમને જર્મનીની ચાઇલ્ડ સર્વિસને સમજાવવામાં સફળતા મળી છે. એના પરિણામે અરિહાને આ વખતે પ્રથમ વખત જૈનોના પર્યુષણ પર્વના બે દિવસ જૈન ધર્મ અને પર્યુષણ પર્વની મહત્તા સમજવાનો મોકો મળ્યો હતો. એટલું જ નહીં, અરિહામાં દેશભક્તિના ભાવ જાગે અને હું ભારતીય છું એવો તેનામાં એહસાસ પ્રગટે એ માટે તેના હાથે આપણા દેશના ગૌરવવંત તિરંગાને લહેરાવીને તેને ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. ધ્રુવી સાથે રાષ્ટ્રધ્વજ પણ લઈ ગઈ હતી.
ADVERTISEMENT
આ મુલાકાત દરમ્યાન અરિહાને જૈન ભોજન પણ માણવા મળ્યું હતું એમ જણાવતાં યતીન શાહે કહ્યું હતું કે ‘અરિહાને રોટલી, ફાફડા, ખાંડવી, ખાખરા બહુ ભાવે છે. જર્મનીના ચાઇલ્ડ સેન્ટરમાં રહીને પણ તે ભારતીય રંગે રંગાયેલી છે અને તેના ગર્ભના જૈન સંસ્કાર હજી જીવંત પ્રૂવ કરે છે. બે દિવસમાં તે ધ્રુવી સાથે એટલી ભળી ગઈ હતી કે છૂટા પડતી વખતે અરિહાએ ધ્રુવીને તેની સાથે આવવાની ઑફર કરી હતી. અરિહાની આ બધી પળોની માહિતીથી અરિહાની મમ્મી ધારા અને પપ્પા ભાવેશ ગદ્ગદ થઈ ગયાં હતાં. તેમણે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબ, વિનમ્રમુનિ મહારાજસાહેબ અને ઘાટકોપરના પારસધામમાં ચાલી રહેલી લુક ઍન્ડ લર્ન પાઠશાળાની ધ્રુવી વૈદનો ખૂબ જ આભાર માન્યો હતો. પ્રભુને પ્રાર્થના કરતાં તેમણે કહ્યું હતું કે હે પ્રભુ, મારી દીકરીમાં હજી ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મના સંસ્કાર ઊછળી રહ્યા છે ત્યારે તેને જલદી ભારત પાછી મોકલી આપ.’
લાખો જાપ અને હજારો ઉપવાસ સમર્પિત
અરિહાનું પુણ્યબળ વધારવા અને એ બળના પ્રતાપે તે જલદી ભારત પાછી ફરે એ ઉદ્દેશથી આ પર્યુષણ પર્વમાં જૈન સમુદાયે એક અભિયાન શરૂ કર્યું છે એની માહિતી આપતાં સકળ જૈન સમુદાયના એક અગ્રણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અભિયાનને દેશ-વિદેશમાં વસતાં હજારો જૈન શ્રાવક-શ્રાવિકાઓએ પ્રતિસાદ આપ્યો છે. એમાં અત્યાર સુધીમાં ૨૫ લાખથી વધારે જાપ અને ૧૫,૦૦૦થી વધારે ઉપવાસ જૈનોએ સમર્પિત કર્યા છે. હજી લોકો આમાં જોડાઈ રહ્યા છે. જૈન સમાજની અરિહાને પાછી ભારત લાવવા માટે દરેક સ્તરે પ્રયાસ ચાલી રહ્યા છે અને તે અરિહાના ભવિષ્યને બચાવવા કટિબદ્ધ છે. તમે પણ તમારા જાપ અને ઉપવાસ 82007 00309 નંબર પર વૉટસઍપ કરીને લખાવી શકો છો.’