અમેરિકાએ યુક્રેનને મોટા પાયે શસ્ત્રોની મદદ પહોંચાડી છે. જોકે આ મદદ સાથે એક શરત હતી કે એનો ઉપયોગ અનિવાર્ય સંજોગોમાં જ કરવાનો રહેશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
યુક્રેન યુદ્ધને લઈને પશ્ચિમી દેશોના રશિયા સાથેના સંબંધોમાં ટેન્શન ચાલી રહ્યું છે ત્યારે ક્યુબાની લેટેસ્ટ જાહેરાતના કારણે તાણમાં વધારો થયો છે. ક્યુબાની જાહેરાત અનુસાર રશિયાની ન્યુક્લિયર પાવરથી ચાલતી સબમરીન કઝાન આવતા સપ્તાહે હવાના પહોંચશે. ક્યુબાની કમ્યુનિસ્ટ સરકારના રશિયા સાથે વર્ષો જૂના ગાઢ સંબંધો છે. ક્યુબાની જાહેરાતના કારણે અમેરિકા-રશિયા વચ્ચેના ટેન્શનમાં ઉમેરો થયો છે. આ સબમરીન ઉપરાંત રશિયન નેવીનાં ત્રણ જહાજ તથા એક ઑઇલ ટૅન્કર સહિતનાં જહાજ પણ ક્યુબાના દરિયાકાંઠે પહોંચશે. જે ત્રણ યુદ્ધ-જહાજ છે એમાં જેના પરથી મિસાઇલ પણ લૉન્ચ કરી શકાય છે એ ઍડમિરલ ગોર્શકોવ જહાજ પણ સામેલ છે. આ કાફલો ૧૨થી ૧૭ જૂન સુધી ક્યુબાના કાંઠે રહેશે. જોકે ક્યુબાની સરકારે સ્પષ્ટતા કરી છે કે સબમરીન કે એક પણ યુદ્ધ-જહાજમાં પરમાણુ શસ્ત્રો નથી. આ જાહેરાતના એક દિવસ પહેલાં અમેરિકાએ રશિયન યુદ્ધજહાજોની મૂવમેન્ટ પર અમારી નજર હોવાનું કહ્યું હતું.
અમેરિકા-રશિયા વચ્ચે ટેન્શન કેમ વકર્યું?
ADVERTISEMENT
અમેરિકાએ યુક્રેનને મોટા પાયે શસ્ત્રોની મદદ પહોંચાડી છે. જોકે આ મદદ સાથે એક શરત હતી કે એનો ઉપયોગ અનિવાર્ય સંજોગોમાં જ કરવાનો રહેશે. હાલમાં જ અમેરિકાના પ્રમુખ જો બાઇડને યુક્રેનના ખારકીવમાં રશિયાના આક્રમણને ખાળવા માટે યુક્રેનને રશિયા વિરુદ્ધ આ શસ્ત્રોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. એ પછી રશિયાના પ્રમુખ પુતિને વૉર્નિંગ આપી હતી કે અમે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ હુમલો કરી શકીએ એમ છીએ. પુતિનના આ નિવેદન બાદ બન્ને દેશ વચ્ચેનો તનાવ વધ્યો હતો.

