૪૦ વર્ષની સૌથી મોટી હડતાળમાં ૧.૩૦ લાખ પૅસેન્જર અટવાયા
ઍર કૅનેડા
કૅનેડાની સૌથી મોટી ઍરલાઇન ઍર કૅનેડાની ૧૦,૦૦૦થી વધુ ફ્લાઇટ અટેન્ડન્ટ્સ (કૅબિન ક્રૂ) હડતાળ પર ઊતરી જતાં આ કંપનીની સમગ્ર વિશ્વમાં ઍર ટ્રાવેલ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ૧૯૮૫ પછી એટલે કે લગભગ ૪૦ વર્ષમાં ઍર કૅનેડાના ફ્લાઇટ અટેન્ડન્ટ્સની આ પહેલી અને સૌથી મોટી હડતાળ છે. કંપની દરરોજ આશરે ૭૦૦ ફ્લાઇટ ઑપરેટ કરે છે.
શનિવારે સવારે હડતાળ શરૂ થાય એ પહેલાં જ ઍરલાઇને એની ૬૨૩થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી, જેને કારણે ૧.૩૦ લાખથી વધુ પૅસેન્જર્સ અટવાઈ ગયા હતા.
ADVERTISEMENT
ઍરલાઇને આગામી ચાર વર્ષમાં ફ્લાઇટ અટેન્ડન્ટ્સ માટે ૩૮ ટકાનો પગારવધારો ઑફર કર્યો હતો. એ અંતર્ગત પહેલા વર્ષમાં ૨૫ ટકાનો વધારો કરવાની વાત કરવામાં આવી હતી. જોકે પગાર માત્ર ૮ ટકા વધતાં યુનિયન નારાજ છે. પગારવધારા ઉપરાંત એક ખૂબ જ જૂના અને વિવાદાસ્પદ અનપેઇડ વર્કના મુદ્દે હડતાળ છે.
મોટા ભાગની ઍરલાઇન્સ તેમના ફ્લાઇટ અટેન્ડન્ટ્સને એ જ કલાકોના પગારની ચુકવણી કરવાની પરંપરા ધરાવે છે જ્યારે વિમાન હવામાં હોય અથવા ગતિમાં હોય. આનો અર્થ એ છે કે ફ્લાઇટ અટેન્ડન્ટ્સને ઘણી વાર મુસાફરોને ચડાવવા, સુરક્ષા તપાસવા અથવા ફ્લાઇટ્સ વચ્ચે જમીન પર રાહ જોવા દરમ્યાનના કલાકો માટે કોઈ પગાર મળતો નથી. હવે કૅનેડા અને અમેરિકામાં ફ્લાઇટ અટેન્ડન્ટ્સ આ જૂની પ્રથાનો અંત લાવવાની માગણી કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તેમને કામ કરતા દરેક કલાક માટે ચુકવણી થવી જોઈએ, પછી ભલે વિમાન જમીન પર હોય કે હવામાં.


