હૉલીવુડને બચાવવાના નામે બહારની ફિલ્મો પર પણ લગાવી ૧૦૦ ટકા ટૅરિફ, ભારતીય ફિલ્મો પર અસર થશે
રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં આરોપ મૂક્યો હતો કે અમેરિકન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને બીજા દેશોએ છીનવી લીધી છે. તેમણે કહ્યું હતું કે આ કોઈ બચ્ચાના હાથમાંથી કૅન્ડી છીનવવા જેવું છે. ડોનલ્ડ ટ્રમ્પે કૅલિફૉર્નિયા અને રાજ્ય સરકારોને નબળી અને અસમર્થ બતાવતાં કહ્યું હતું કે ત્યાંની ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પણ ખૂબ પ્રભાવિત થઈ છે. હૉલીવુડની ફિલ્મોને બચાવવાના કહેવાતા સમાધાનના નામે તમામ વિદેશી ફિલ્મો પર તેમણે ૧૦૦ ટકા ટૅરિફ લગાવી દીધી છે. આ પગલાનો મુખ્ય હેતુ હૉલીવુડની ફિલ્મોને અમેરિકાની માર્કેટમાં પ્રમોટ કરવાનો છે. આ નવા નિયમથી ભારતીય ફિલ્મોની અમેરિકામાં રિલીઝ અને કમાણી પર અસર પડશે.
ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પર શું અસર થશે?
ADVERTISEMENT
ઇન્ડિયન ફિલ્મો માટે અમેરિકા સૌથી મહત્ત્વપૂર્ણ વિદેશી બજારોમાંનું એક છે. અમેરિકન બૉક્સ-ઑફિસનો ભારતીય ફિલ્મોની કુલ ઇન્ટરનૅશનલ કમાણીનો લગભગ ૩૦થી ૪૦ ટકા જેટલો હિસ્સો હોય છે. તેલુગુ ફિલ્મો માટે તો તેલંગણ પછી સૌથી મોટું ઇન્ટરનૅશનલ માર્કેટ અમેરિકા છે. મોટા બજેટની તેલુગુ ફિલ્મો બૉક્સ-ઑફિસની કુલ કમાણીમાંથી ૨૫ ટકા જેટલો હિસ્સો અમેરિકન માર્કેટમાંથી મેળવે છે.
૨૦૨૪માં ભારતની ફિલ્મોએ અમેરિકામાં લગભગ ૧૬૦થી ૧૭૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ચૌદથી ૧૫ અબજ રૂપિયા જેટલી કમાણી કરી હતી. એમાંથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો હતી ક્રમશઃ બાહુબલિ, કાલી, પઠાન, RRR અને પુષ્પા 2. જો ૧૦૦ ટકા ટૅરિફ લાગુ થશે તો આવી ફિલ્મોની કમાણી પર સીધી અસર પડશે અને ડિસ્ટ્રિબ્યુશનની ડીલમાં અવરોધ આવશે.
ભારતીય બ્રૅન્ડેડ દવાઓ પર અમેરિકાની ૧૦૦ ટકા ટૅરિફ સામે ચીને આપ્યો સાથ ચીનમાં ભારતીય ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ ટૅક્સ-ફ્રી કરવામાં આવી
ટ્રમ્પ જેટલી વાર વિવિધ પ્રકારની ટૅરિફ લાદીને ભારતનું નાક દબાવવાની કોશિશ કરે છે ત્યારે એની આડઅસરોને ઘટાડવાનો કોઈ ને કોઈ રસ્તો ભારત શોધી જ કાઢે છે. પહેલી ઑક્ટોબરથી અમેરિકન રાષ્ટ્રપતિએ લાદેલી ટૅરિફ મુજબ અમેરિકામાં આયાત થતી તમામ બ્રૅન્ડેડ દવાઓ પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવામાં આવી હતી. જોકે ચીને ભારતની ફાર્મસ્યુટિકલ પ્રોડક્ટ્સ પરની ૩૦ ટકા ઇમ્પોર્ટ-ડ્યુટી કાઢીને શૂન્ય કરી દીધી છે. ચીનના આ પગલાથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ૧૦૦ ટકા ટૅરિફને કારણે ભારતની ફાર્માસ્યુટિકલ માર્કેટ પર પડનારી અસરો ઘટી જશે. હવે ભારતની દવાઓ કોઈ જ ઇમ્પોર્ટ-ડ્યુટી વિના ચીનમાં નિર્યાત થવાથી ભારતીય કંપનીઓની સસ્તી દવાઓની મજબૂત ડિમાન્ડ થશે, ઑલ્ટરનેટિવ માર્કેટ તૈયાર થશે અને આવનારા સમયમાં ભારતમાંથી ચીન નિર્યાત થતી દવાઓમાં વધારો થશે.


