પહેલી વાર લખાઈ લાયન એન્થમ અને વિશ્વ સિંહ દિવસે એ લૉન્ચ કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નવા સફારી પાર્કનું બજેટ મંજૂર કર્યું છે
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાસણ ગીરમાં રૅલી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ સિંહના માસ્ક પહેરીને આવ્યા હતા
‘ધીમે ધમ ધધમ ધમ કદમ જે ઉઠાવે, ગિરિ રાજવી રાજ સાવજ કહાવે...’ ગુજરાતના સાસણગીર સહિતના જિલ્લાઓમાં મુક્ત મને વિહરતા ડાલામથા ગિર સિંહો માટે પહેલી વાર લખાયેલી અને શૌર્ય સાથે ગવાયેલી લાયન એન્થમ ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લૉન્ચ કરી હતી અને કહ્યું હતું કે ‘સાસણ ગીરમાં સફારી પાર્કમાં થઈ રહેલા પ્રવાસીઓના વધારાના ભારણને ઘટાડવા ગીરના પૂર્વના વિસ્તાર એવા ઊના તાલુકાના નાળિયા માંડવી ખાતે નવો સફારી પાર્ક રાજ્યના બજેટમાં મંજૂર કરવામાં આવ્યો છે.’
વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વન પ્રધાન મુળુભાઈ બેરા અને રાજ્ય વન પ્રધાન મુકેશ પટેલની ઉપસ્થિતિમાં લાયન એન્થમ ફિલ્મ લૉન્ચ કરવા ઉપરાંત સિંહના રિયલ ટાઇમ લોકેશન અને એની મૂવમેન્ટ વિશેની જાણકારી સંદર્ભની વન વિભાગે તૈયાર કરેલી સિંહ સૂચના વેબ ઍપનું લૉન્ચિંગ, ડૉ. સક્કિરા બેગમના પુસ્તક ‘ધ કિંગ ઑફ ધ જંગલ – એશિયાટિક લાયન ઑફ ગીર’ તથા અરવિંદ ગોસ્વામીના પુસ્તક ‘હું ગીરનો સાવજ’ પુસ્તકનું લાકાર્પણ કર્યું હતું.
ADVERTISEMENT
આવું સૌપ્રથમ વાર બન્યું છે કે સિંહો વિશે લાયન એન્થમ લખાઈ અને ગવાઈ છે. એના શબ્દો છે, ‘ધીમે ધમ ધધમ ધમ કદમ જે ઉઠાવે, ગિરિ રાજવી રાજ સાવજ કહાવે. જટા કેશવાળી, છટા ઠાઠવાળી, બધા નેહમાં કેહ એની કહાણી...’ આ લાયન એન્થમ ફિલ્મનું નિર્માણ રોહન ત્રિવેદીના દિગ્દર્શનમાં એકતા જન્મય ચોકસીએ કર્યું છે અને પાર્થ તાજપરાના શબ્દોને બ્રિજરાજ ગઢવીએ કંઠ આપીને નિશિત મહેતાના સંગીતમાં સ્વરબદ્ધ કરાયું છે.
ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે ‘વન વિભાગના પ્રયત્નો અને લોકભાગીદારીથી સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધી છે. સિંહની વસ્તીમાં પણ ઉત્તરોતર વધારો થયો છે અને ૨૦૧૦માં ૪૧૧ સિંહો હતા એ વધીને ૨૦૨૦માં ૬૭૪ થયા છે.’
વિશ્વભરના પ્રવાસીઓ સિંહને નિહાળવા જ્યાં ઊમટે છે એ ગુજરાતના સાસણ ગીરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ હતી, જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો વર્ચ્યુઅલી રીતે જોડાયા હતા. સાસણ ગીરમાં વન વિભાગની આયુર્વેદિક નર્સરીથી સાસણ સિંહ સદન સુધી રૅલી યોજાઈ હતી, જેમાં સિંહના માસ્ક પહેરીને મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ, આસપાસના ગામના સરપંચો, નાગરિકો, વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.


