Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > `સસ્તા ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?`: પરેશ રાવલના નિવેદન પર વિવાદ

`સસ્તા ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?`: પરેશ રાવલના નિવેદન પર વિવાદ

02 December, 2022 11:40 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતના વલસાડમાં પરેશ રાવલે ગુજરાતીમાં જ લોકોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મોંઘા ગેસ સિલિન્ડર અને રોજગારીની માગ અંગે સરકાર વતી સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


અભિનેતામાંથી નેતા બનેલા પરેશ રાવલ (Paresh Rawal) પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે ગુજરાત ચૂંટણી (Gujarat Election)ના મધ્યમાં તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેના કારણે તેમની આકરી ટીકા થઈ રહી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલાં પરેશ રાવલ તેમની પાર્ટી બીજેપીના પ્રચાર માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા. આ દરમિયાન પરેશ રાવલે રોહિંગ્યા મુસ્લિમોનો ઉલ્લેખ કરતાં એક નિવેદન આપ્યું હતું, જેના પર વિવાદ શરૂ થયો છે.

ગુજરાતના વલસાડમાં પરેશ રાવલે ગુજરાતીમાં જ લોકોને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મોંઘા ગેસ સિલિન્ડર અને રોજગારીની માગ અંગે સરકાર વતી સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પરેશ રાવલે કહ્યું કે, "ગેસ સિલિન્ડર મોંઘા છે પણ તે સસ્તા થશે. લોકોને રોજગાર પણ મળશે, પરંતુ જ્યારે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ તમારી આસપાસ રહેવા લાગશે ત્યારે શું થશે, જેમ દિલ્હીમાં થઈ રહ્યું છે. પછી તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી રાંધશો?”



આ દરમિયાન પરેશ રાવલે ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “ગુજરાતની જનતા મોંઘવારી સહન કરી શકે છે પણ આ નહીં.” વિપક્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેઓ જે રીતે અપશબ્દો બોલે છે, તેમાંથી એકને મોં પર ડાયપર પહેરવાની જરૂર છે. હવે પરેશ રાવલના આ નિવેદનને લઈને ઊગ્ર વિવાદ શરૂ થયો છે અને વિપક્ષી નેતાઓ તેમની ટીકા કરી રહ્યા છે.


ટીએમસી સાંસદે સવાલ ઉઠાવ્યા

પરેશ રાવલનો આ વીડિયો શૅર કરી તૃણમૂલ કૉંગ્રેસના નેતા કીર્તિ આઝાદે તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વિટર પર લખ્યું “બાબુભાઈ આપ તો આવા ન હતા... જો બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ ભારતમાં પ્રવેશ કરે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ ગૃહમંત્રી તરીકે તેમનું કામ સારી રીતે કરી શકતા નથી અથવા તમે એમ કહી રહ્યા છો કે BSF સરહદની સુરક્ષા યોગ્ય રીતે કરી શકતું નથી?”


આ પણ વાંચો: પક્ષીઓ બન્યાં ઇન્ડિયન આર્મીનાં નવાં હથિયાર

હાલ પરેશ રાવલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ વીડિયોને શૅર કરી રહ્યા છે અને પરેશ રાવલ પર બંગાળીઓ અને બાંગ્લાદેશીઓ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. કેટલાક લોકોએ તેમની ફિલ્મોનો બહિષ્કાર કરવાની વાત પણ કરી હતી. 

પરેશ રાવલે કરી સ્પષ્ટતા

હવે આ મુદ્દે પરેશ રાવલે સ્પષ્ટતા કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું કે, "અલબત્ત માછલી મુદ્દો નથી કારણ કે ગુજરાતીઓ પણ માછલી રાંધે છે અને ખાય છે, પરંતુ હું બંગાળીઓ વિશે સ્પષ્ટતા કરવા માગુ છું કે મારો અર્થ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ હતો. તેમ છતાં જો હું તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો માફી માગુ છું."
Whatsapp-channel Whatsapp-channel

02 December, 2022 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK