આજે અમદાવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સમિટ ઑફ સક્સેસની થીમ પર વાઇબ્રન્ટ ગુજરાતનાં ૨૦ વર્ષની ઉજવણી થશે
ફાઇલ તસવીર
ગુજરાતમાં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ૨૦ વર્ષ પૂરાં થવાના પ્રસંગે આજે અમદાવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સમિટ ઑફ સક્સેસની થીમ પર વાઇબ્રન્ટ ગુજરાતનાં ૨૦ વર્ષની ઉજવણી થશે.
અમદાવાદના સાયન્સ સિટીમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના પ્રધાનમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમિટ ઑફ સક્સેસ પૅવિલિયનનું ઉદ્ઘાટન કરશે. આવતા વર્ષે જાન્યુઆરી ૨૦૨૪માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર રાખવામાં આવી છે. ૨૦ વર્ષથી દર બીજા વર્ષે યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિશ્વભરના વડાઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો સહિતના મહાનુભાવો આવતા રહ્યા છે. ૨૦૦૩માં શરૂ થયેલી આ સમિટમાં ૨૦૧૯માં ૧૩૫થી વધુ રાષ્ટ્રોના ૪૨ હજારથી વધુ પ્રતિનિધિઓની ભાગીદારી જોવા મળી હતી.


