સુદાનમાં ઊભી થયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચેથી ગઈ કાલે ૫૬ ગુજરાતીઓ હેમખેમ ગુજરાત આવી પહોંચ્યા હતા. ઑપરેશન કાવેરી હેઠળ ગુજરાતના ૫૬ લોકોને જેહાદથી મુંબઈ લાવીને ગઈ કાલે વહેલી પરોઢે અમદાવાદ લવાયા ત્યારે આ નાગરિકોને હાશકારો થયો હતો અને વતન પરત...
સુદાનથી આવેલા ગુજરાતના નાગરિકોને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આવકાર્યા હતા.
અમદાવાદઃ સુદાનમાં ઊભી થયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચેથી ગઈ કાલે ૫૬ ગુજરાતીઓ હેમખેમ ગુજરાત આવી પહોંચ્યા હતા. ઑપરેશન કાવેરી હેઠળ ગુજરાતના ૫૬ લોકોને જેહાદથી મુંબઈ લાવીને ગઈ કાલે વહેલી પરોઢે અમદાવાદ લવાયા ત્યારે આ નાગરિકોને હાશકારો થયો હતો અને વતન પરત ફર્યાની ખુશી થઈ હતી.
સુદાનમાં ફાટી નીકળેલા આંતરિક યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ઑપરેશન કાવેરી હેઠળ ગઈ કાલે રાજકોટ જિલ્લાના ૩૯, ગાંધીનગર જિલ્લાના ૯, આણંદ જિલ્લાના ૩ અને વડોદરા જિલ્લાના પાંચ નાગરિકોને સહીસલામત ગુજરાત પરત લવાયા હતા. ગઈ કાલે વહેલી સવારે અમદાવાદમાં આ નાગરિકો આવી પહોંચતાં ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તેમને આવકાર્યા હતા. આ તમામ નાગરિકોને તેમના વતન જવા માટે ગુજરાત સરકારે વ્યવસ્થા કરી હતી અને તેમને સુખરૂપ વતન પહોંચાડ્યા હતા.
સુદાનથી બદાલી પરિવારના ચાર સભ્યો લતાબહેન, બીનલબહેન, દીપકભાઈ અને રાજકુમાર વડોદરા પહોંચ્યાં ત્યારે તેમણે રાહતનો દમ લીધો હતો. આ ફૅમિલીના સભ્યોએ આંતરિક યુદ્ધના એ દિવસોને યાદ કરીને કેવા સંજોગો વચ્ચે દિવસો પસાર કર્યા હતા એની વાત કરતાં કહ્યું હતું કે ‘સુદાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. બહાર નીકળી શકાય એવી સ્થિતિ નહોતી. છેલ્લા એક પખવાડિયા કરતાં પણ વધુ સમયથી ઘરમાં જ પુરાઈ રહેવું પડ્યું હતું. ઘરમાં ખાવાની વસ્તુઓનો સંગ્રહ કર્યો હતો એ ખાઈને દિવસો કાઢવા પડ્યા હતા. અમને એ વાતની રાહત થઈ કે સરકારે સમયસર મદદ મોકલી એટલે અમે વતન પરત આવી શક્યા. આ વતનવાપસી માટે સરકારનો આભાર માનવો પડે કે અમે સલામત ઘરે પહોંચી શક્યા છીએ.’
ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ‘ઑપરેશન કાવેરી અંતર્ગત ગુજરાતના ૫૬ લોકોને જેહાદથી મુંબઈ ખાસ ઇવેક્યુએશન ફ્લાઇટ્સ દ્વારા ભારત લવાયા હતા. તેમને ગુજરાતના અધિકારીઓએ મુંબઈમાં રિસીવ કર્યા હતા. આ ૫૬ પૈકી ૧૨ લોકોએ પોતાની સુવિધા કરેલી હોવાથી બાકીના ૪૪ લોકોને મુંબઈથી અમદાવાદ બસ દ્વારા લાવવામાં આવ્યા હતા અને અહીંથી તેમના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી સરકારે ઉઠાવી છે.’


