Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદે ૪.૧ના ધરતીકંપના આંચકાથી ગભરાટ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદે ૪.૧ના ધરતીકંપના આંચકાથી ગભરાટ

Published : 18 January, 2026 08:04 AM | IST | Kutch
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કચ્છ-સૌરાષ્ટ્રમાં નવા વર્ષમાં ભૂકંપના બાવીસ જેટલા આંચકા : અરબી સમુદ્રમાં પણ હળવો ભૂકંપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કચ્છમાં વિનાશ વેરી જનારા ૨૦૦૧ના ગોઝારા ભૂકંપને ૨૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે કચ્છમાં એકસાથે ત્રણ ફૉલ્ટ લાઇનો ફરી સક્રિય થતાં જેમ-જેમ ભૂકંપની વરસી નજીક આવી રહી છે એમ-એમ ધરતીકંપના આંચકાઓ આવવાની સંખ્યામાં સતત વધારો થતાં જિલ્લામાં ફરી ઉચાટ ફેલાયો છે.

શુક્રવારે મધરાત બાદ ૧.૨૨ વાગ્યે ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદ નજીક ૪.૧ની તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો અનુભવાતાં ખાવડા અને એની આસપાસના વિસ્તારોના લોકોએ કડકડતી ઠંડી વચ્ચે પોતપોતાનાં ઘરોની બહાર દોડી જવું પડ્યું હતું.



પ્રાપ્ત સત્તાવાર વિગતો પ્રમાણે ૪.૧ની તીવ્રતાવાળા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સીમાવર્તી ખાવડાથી ઉત્તર-ઉત્તરપૂર્વીય દિશામાં પંચાવન કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળે છે અને એની ઊંડાઈ ભૂગર્ભમાં ૧૨ કિલોમીટરથી પણ ઓછી હોવાથી એની અસર તીવ્ર રીતે વર્તાઈ હોવાનું જાણવા મળે છે. 


આ પહેલાં ગયા શુક્રવારે મોડી રાત્રે ૧.૫૦ વાગ્યે તેમ જ પરોઢિયે ૫.૪૭ વાગ્યે પણ રિક્ટર સ્કેલ પર અનુક્રમે ૨.૭ અને ૨.૫ની તીવ્રતા ધરાવતા હળવા ભૂકંપના આંચકાઓ નોંધાયા છે જેનાં કેન્દ્રો ભચાઉ અને રાપર નજીક હોવાનું જાણવા મળે છે.

ચિંતાની વાત એ છે કે છેલ્લા એક મહિનાથી કચ્છમાં ભૂકંપના આંચકાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગઈ ૨૬ ડિસેમ્બરે પૂર્વ કચ્છના રાપરથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં બાવીસ કિલોમીટર દૂર ૪.૬ની તીવ્રતાના ભૂકંપે હાજરી પુરાવી હતી. એના માત્ર બે દિવસ પહેલાં જ ભચાઉ નજીક ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલાં બાવીસમી એપ્રિલે પણ કચ્છના દુધઈથી ૧૭ કિલોમીટર દૂર ૪.૧નો આંચકો નોંધાયો હતો.


ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીના પ્રથમ ૧૬ દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં બાવીસ જેટલા નાના-મોટા ભૂકંપના આંચકાઓ નોંધાયા છે, જેમાંનો એક આંચકો પોરબંદર નજીકના અરબી સમુદ્રમાં નોંધાયો હતો જેની તીવ્રતા ૨.૭ની હતી.

- ત્રિદિવ વૈદ્ય

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2026 08:04 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK