અખાત્રીજે ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના ખેડૂતોએ ખેતીનાં ઓજારો અને ધરતીમાતાનું પૂજન કરીને ખેતીની કરી શરૂઆત : વાંસની નાની ટોપલીમાં નાગલી, ડાંગર, મકાઈ, અડદ, જુવાર નાખીને એને ઉગાડી એનાં ધરુ જોઈને ખેતીનું લગાવે છે અનુમાન
ડાંગની દીકરીઓ માથે ગૌરાઈ મૂકીને ઉત્સવમાં સહભાગી બની હતી.
ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજની દીકરીઓએ ગઈ કાલે અખાત્રીજના દિવસે માથે ગૌરાઈ મૂકીને ઉત્સવ ઊજવ્યો હતો. આ ઉપરાંત આદિવાસી સમાજના ખેડૂતોએ ખેતીનાં ઓજારો અને ધરતીમાતાનું પૂજન કરીને ખેતીની શરૂઆત કરી હતી.
આદિવાસી સમાજની મહિલાઓએ માથે ગૌરાઈ મૂકી હતી.
ADVERTISEMENT
ડાંગમાં આદિવાસી સમાજના લોકો અખાત્રીજ દરમ્યાન ગૌરાઈ પૂજન કરે છે જેમાં અખાત્રીજના સાતથી આઠ દિવસ પહેલાં નદીમાંથી પાણી લઈને એની સાથે માટી મિક્સ કરી એક વાંસની નાની ટોપલીમાં મૂકીને એમાં નાગલી, ડાંગર, મકાઈ, અડદ, જુવાર સહિતના મિલેટ પાકોનું વાવેતર કરવામાં આવે છે અને અખાત્રીજના દિવસે વાવણી માટેનાં બીજની ચકાસણી કરવામાં આવે છે. નાની ટોપલીમાં ઊગેલા ધાન્યમાં ધરુ ઘટ્ટ આવ્યું છે કે પાતળું એના પરથી ખેતીનું અનુમાન લગાવાય છે.
ખેડૂતો દ્વારા ખેતીનાં ઓજારોની તેમ જ ધરતીમાતાની પૂજા થઈ હતી.
ગૌરાઈમાં પાણી સિંચવાનો અધિકાર કુમારિકાઓને હોય છે અને એનાં ગીતો પણ ગવાય છે. અખાત્રીજે ગૌરાઈને નદીમાં પધરાવતાં પહેલાં ગામની બધી ગૌરાઈઓ સાંજે એક જગ્યાએ એકઠી કરવામાં આવી હતી અને એમાંથી સ્ત્રીએ ટોપલીમાંથી એક-બે રોપાને કાઢીને માથામાં ખોસીને પછી ગૌરાઈ માથે મૂકીને ગામદેવતા પાસે જઈને ત્યાં મૂકીને ઉત્સવ મનાવીને વાજતેગાજતે ગૌરાઈનું નદીમાં વિસર્જન કર્યું હતું. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં ઘણાં બધાં ગામોમાં ગામના વડીલો અને ભગતોએ ભેગા મળીને ખેતીનાં ઓજારોની પૂજા કરી હતી.


