આજે સુરેન્દ્રનગરમાં મળશે રાજપૂત સમાજનું સંમેલન ઃ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી સાથે ગુજરાતભરમાં થયો વિરોધ
ગાંધીનગરમાં રાજપૂત સમાજે પરષોત્તમ રૂપાલા સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજનો રોષ ઠંડો પડતો નથી. ગોંડલમાં શુક્રવારે પરષોત્તમ રૂપાલાએ વધુ એક વાર માફી માગ્યા બાદ રાજપૂત સમાજમાં આક્રોશ યથાવત્ રહ્યો છે અને BJP રૂપાલાની ટિકિટ રદ કરે એવી માગણી ઉગ્ર બની છે. એટલું જ નહીં, આજે સુરેન્દ્રનગરમાં રાજપૂત સમાજનું સંમેલન મળશે.
પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ માટે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ અને ગોંડલમાં મળેલી BJPના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બાદ રાજપૂત સમાજમાં રીતસરનો રોષ ભભૂકી ઊઠ્યો હોય એમ ગઈ કાલે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગણી સાથે ગુજરાતમાં ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન થયાં હતાં. ગાંધીનગર, રાજકોટ, દ્વારકા, ખેડા, વડોદરા, સાવલી, મોરબી, કાલોલ, ભુજ, તળાજા, મહેસાણા સહિતનાં નાનાં-મોટાં શહેરોમાં રૂપાલા વિરુદ્ધ દેખાવો થયા હતા તો ક્યાંક રૅલી યોજાઈ હતી. ગાંધીનગર, મહેસાણા સહિતનાં સ્થળોએ રૂપાલા સામે પગલાં લેવા કલેક્ટરને આવેદનપત્ર અપાયાં હતાં તો રાજકોટ અને મોરબીમાં પૂતળાદહન થયું હતું. એટલું જ નહીં, ગોંડલના ગણેશગઢમાં બેઠક થઈ હતી એને રાજકીય ગણાવીને ‘ક્ષત્રિય વર્સસ ક્ષત્રિય’ની રાજનીતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ થયા હતા.