Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આઝાદીનો અમૃત મહોત્સવ એટલે નવા સંકલ્પનું અમૃત

આઝાદીનો અમૃત મહોત્સવ એટલે નવા સંકલ્પનું અમૃત

13 March, 2021 04:43 PM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આઝાદીનો અમૃત મહોત્સવ એટલે નવા સંકલ્પનું અમૃત

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમદાવાદમાં યોજાયેલા સમારોહમાં સંબોધન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમદાવાદમાં યોજાયેલા સમારોહમાં સંબોધન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.


દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા સાબરમતી આશ્રમથી ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવીને કહ્યું હતું કે ‘આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આઝાદીની ઊર્જાનું અમૃત, સ્વાધીનતા સેનાનીઓથી પ્રેરણાનું અમૃત, નવા વિચારોનું અમૃત, નવા સંકલ્પનું અમૃત, આત્મનિર્ભરતાનું અમૃત અને એટલા માટે આ મહોત્સવ રાષ્ટ્ર જાગરણનો મહોત્સવ છે. આ મહોત્સવ સુરાજ્યના સપનાને પૂરું કરવાનો મહોત્સવ છે અને આ મહોત્સવ વૈશ્વિક શાંતિનો, વિકાસનો મહોત્સવ છે.’

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગાંધીબાપુના સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને આશ્રમની વિઝિટર-બુકમાં સંદેશો લખ્યો હતો. ત્યાર બાદ તેઓ સાબરમતી આશ્રમ પાસે આવેલા અભયઘાટ પાસે આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ અહીંથી દાંડીયાત્રાને ફ્લૅગ-ઑફ કરીને પ્રસ્થાન કરાવી હતી.
નરેન્દ્ર મોદીએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે ‘આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે આઝાદ ભારતમાં આ ઐતિહાસિક કાળખંડના સાક્ષી બની રહ્યા છીએ. આજે દાંડીયાત્રાની વર્ષગાંઠ પર આપણે બાપુના કર્મસ્થળ પર ઇતિહાસ બનતો જોઈ રહ્યા છીએ અને ઇતિહાસનો હિસ્સો પણ બની રહ્યા છીએ. આજે આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલો દિવસ છે. અમૃત મહોત્સવનો ૧૫ ઑગસ્ટ ૨૦૨૨થી ૭૫ સપ્તાહ પૂર્વે આજે પ્રારંભ થયો છે અને ૧૫ ઑગસ્ટ ૨૦૨૩ સુધી ચાલશે.’
નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે સેલ્યુલર જેલ, મુંબઈનું ઑગસ્ટ ક્રાન્તિ મેદાન, જલિયાંવાલા બાગ સહિતનાં ઐતિહાસિક સ્થળોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘હું આ પુણ્ય અવરે બાપુનાં ચરણોમાં મારાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. દેશના સ્વાધીનતા સંગ્રામમાં પોતાને આહુત કરનાર દેશને નેતૃત્વ આપનારી બધી મહાન વિભૂતિઓનાં ચરણોમાં આદરપૂર્વક નમન કરું છું. હું બધા વીર જવાનોને પણ નમન કરું છું, જેઓ આઝાદી પછી પણ રાષ્ટ્રરક્ષાની પરંપરા જીવિત રાખીને દેશની રક્ષા માટે બલિદાન આપીને શહીદ થઈ ગયા.’
ફ્રીડમ સ્ટ્રગલ, આઇડિયાઝ @૭૫, અચીવમેન્ટ @૭૫, ઍક્શન @૭૫ અને રિઝોલવ્સ @૭૫નો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અમૃત મહોત્સવના આ પાંચ સ્તંભ દેશને સમગ્ર ઉજવણીકાળ દરમ્યાન પ્રેરણા અને પથદર્શન પૂરાં પાડશે.’
વડા પ્રધાને કહ્યું કે ‘ભારત પાસે ગર્વ કરવા સમૃદ્ધ ઇતિહાસ છે. ચેતનામય સાંસ્કૃતિક વિરાસત છે. એટલા માટે આઝાદીનાં ૭૫ વર્ષનો આ અવસર એક અમૃતની જેમ વર્તમાન પેઢીને પ્રાપ્ત થશે. એક એવું અમૃત જે પ્રતિપળ આપણા દેશ માટે જીવવા, દેશ માટે કંઈક કરવા પ્રેરિત કરશે.’
ગાંધીબાપુની દાંડીયાત્રાને યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘ગાંધીજીની આ એક યાત્રાએ આઝાદીના સંઘર્ષનો એક નવી પ્રેરણા સાથે જન જનથી જોડી દીધો હતો. આઝાદીને લઈને ભારતના નજરિયાને પૂરી દુનિયા સુધી પહોંચાડી દીધો. બાપુની દાંડીયાત્રામાં આઝાદીના આગ્રહની સાથે-સાથે ભારતના સ્વભાવ-સંસ્કારનો પણ સમાવેશ હતો.’
દાંડીયાત્રા સાથે જોડાયેલા મીઠાનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘મીઠાનો મતલબ છે ઈમાનદારી, વિશ્વાસ અને વફાદારી. મીઠું શ્રમ અને સમાનતાનું પ્રતીક છે. મીઠું ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે.’
વડા પ્રધાને આ પ્રસંગે આઝાદીના કેટલાય સેનાનીઓ, સંતો, મહંતો, વીરોની વાતો અને તેમના બલલિદાનની વાત કરી હતી અને કહ્યું હતું કે ‘જેમની એક-એક ગાથા પોતાનામાં એક સ્વર્ણિમ અધ્યાય છે. તેમની જીવનગાથા, જીવનસંઘર્ષ, આપણા સ્વતંત્ર આંદોલનના ઉતાર-ચડાવ આજની પેઢીને જીવનનો પાઠ શીખવાડશે. એકતા શું હોય, લક્ષ્યને પામવાની જીદ શું હોય એ સમજશે.’
નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘લોકતંત્રની જનની ભારત, આજે પણ લોકતંત્રને મજબૂતી આપતાં આગળ વધી રહ્યું છે. જ્ઞાન-વિજ્ઞાનથી સમૃદ્ધ ભારત મંગળથી લઈને ચંદ્રમા સુધી પોતાની છાપ છોડી રહ્યું છે. આજે ભારતનું સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજે ભારત અંધકારમાંથી બહાર નીકળીને આગળ વધી રહ્યું છે.’
કોરોનાકાળની વાત કરતાં વડા પ્રધાને કહ્યું કે ‘કોરોનાકાળમાં વૅક્સિનના નિર્માણમાં ભારતની આત્મનિર્ભરતાનો આજે પૂરી દુનિયાને લાભ મળી રહ્યો છે. ભારત પાસે આજે વૅક્સિનનું સામર્થ્ય છે. બધાનાં દુઃખ દૂર કરવામાં આવી રહ્યાં છે એથી જ વિશ્વઆખું ભારત પર વિશ્વાસ મૂકી રહ્યું છે. નવા ભારતના સૂર્યોદયની આ છટા છે, પ્રથમ કિરણ છે.’
નરેન્દ્ર મોદીએ એક ભારત - શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા થકી ભારતને વિશ્વગુરુ બનવવાના નિર્ધારનો પુનરુચ્ચાર કર્યો હતો અને વિશ્વાસ સાથે આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘દરેક ભારતીય એક પગલું ચાલશે તો દેશ ૧૩૦ કરોડ પગલાં આગળ જશે. સૌ સાથે મળીને વિકાસનાં તમામ લક્ષ્યો પાર પાડીશું.’
આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન અગણિત આઇડિયા નીકળશે એમ કહીને રચનાત્મક કાર્યક્રમો યોજવાનું સૂચન પણ વડા પ્રધાને દેશવાસીઓને કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે ‘આઝાદીની લડતમાં બાપુ અને સરદાર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સમગ્ર દેશનું નેતૃત્વ કર્યું હતું. જે ભૂમિ પરથી આઝાદીના જંગનાં મંડાણ થયાં હતાં એ જ ભૂમિ પરથી આજે દેશની સ્વાતંત્ર્યતાનાં ૭૫ વર્ષની ઉજવણીની શરૂઆત થઈ છે એ ગુજરાત માટે ગૌરવવંતી બાબત છે.’
આ પ્રસંગે કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન રાજ્ય પ્રધાન પ્રહ્‍લાદસિંહ પટેલ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, અમદાવાદના મેયર કિરીટ પરમાર, બીજેપીના સંસદસભ્ય અને ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ અને અમૃત મોદી તેમ જ શહેરના નારિકો ઉપસ્થિત હતા.



નરેન્દ્ર મોદીએ પંડિત નેહરુને યાદ કર્યા


આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત નેહરુને યાદ કર્યા હતા અને અન્ય નેતાઓની સાથે તેમને આઝાદીના આંદોલનના પથદર્શક ગણાવ્યા હતા.
દેશની આઝાદી માટે યોગદાન આપનાર મંગલ પાંડે, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ સહિતના વીરો–વીરાંગનાઓને નરેન્દ્ર મોદીએ યાદ કર્યાં હતાં અને કહ્યું હતું કે ‘પંડિત નેહરુ, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, ખાન અબ્દુલ ગફાર ખાન, વીર સાવરકર જેવા અગણિત જનનાયક આ બધાં મહાન વ્યક્તિત્વ આઝાદીના આંદોલનના પથદર્શક રહ્યાં.’

દિલ દિયા હૈ, જાં ભી દેંગે અય વતન તેરે લિયે...દેશભક્તિનાં ગીતોની મેલડીએ રંગ જમાવ્યો


આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં દેશભક્તિનાં ગીતોની મેલડીએ રંગ જમાવ્યો હતો. વંદે માતરમ્, આઓ બચ્ચોં તુમ્હેં દિખાએં, છોડો કલ કી બાતેં, યે દેશ હૈ વીર જવાનોં કા, યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ તેરા, આવાઝ દો હમ એક હૈ, ચક દે ઇન્ડિયા, દિલ દિયા હૈ જાં ભી દેંગે અય વતન તેરે લિયે, અય મેરે પ્યારે વતન આબાદ રહે તુ, દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ સાબરમતી કે સંત તુને સહિતના દેશભક્તિનાં ગીતોની બે-બે લાઇન ગાયક કલાકારોએ ગાઈને એક માહોલ બનાવ્યો હતો. સુપ્રસિદ્ધ ગાયક હરિહરને વંદે માતરમ્ ગાયું હતું, જયારે ઝુબિન નૌટિયાલે તુઝ સે હી તો ઝિંદા હહું ઓ મેરે હિન્દુસ્તાન ગીત ગાયું હતું. આ પ્રસંગે જાણીતા બૉલીવુડ કલાકાર અનુપમ ખેર પણ ઉપસ્થિત હતા. સ્ટેજ પર દેશભરમાંથી આવેલા ૨૦૦ જેટલા કલાકારોએ દેશભાવનાને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.

ટ્વીટ કરશો તો ચરખો ફરશે

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે એક અનોખો ચરખો પણ મૂકવામાં આવ્યો હતો. વોકલ ફૉર લોકલની થીમ પર આધારિત આ ચરખો જ્યારે પણ કોઈ ભારતીય સ્વદેશી વસ્તુ ખરીદીને ટ્વીટ કરશે ત્યારે આ ચરખો આપોઆપ એક રાઉન્ડ ફરશે. સમગ્ર ઉજવણી દરમ્યાન ૭૫ કરોડ વખત ચરખો ફેરવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ માટે એક અલાયદી વેબસાઇટ ‘India75.nic.in’નું લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ઃ આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં દેશભક્તિનાં ગીતોની મેલડીએ રંગ જમાવ્યો હતો. વંદે માતરમ્, આઓ બચ્ચોં તુમ્હેં દિખાએં, છોડો કલ કી બાતેં, યે દેશ હૈ વીર જવાનોં કા, યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ તેરા, આવાઝ દો હમ એક હૈ, ચક દે ઇન્ડિયા, દિલ દિયા હૈ જાં ભી દેંગે અય વતન તેરે લિયે, અય મેરે પ્યારે વતન આબાદ રહે તુ, દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ સાબરમતી કે સંત તુને સહિતના દેશભક્તિનાં ગીતોની બે-બે લાઇન ગાયક કલાકારોએ ગાઈને એક માહોલ બનાવ્યો હતો. સુપ્રસિદ્ધ ગાયક હરિહરને વંદે માતરમ્ ગાયું હતું, જયારે ઝુબિન નૌટિયાલે તુઝ સે હી તો ઝિંદા હહું ઓ મેરે હિન્દુસ્તાન ગીત ગાયું હતું. આ પ્રસંગે જાણીતા બૉલીવુડ કલાકાર અનુપમ ખેર પણ ઉપસ્થિત હતા. સ્ટેજ પર દેશભરમાંથી આવેલા ૨૦૦ જેટલા કલાકારોએ દેશભાવનાને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2021 04:43 PM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK