અત્યાર સુધીમાં ૧૮ હજાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરી બે લાખથી વધુનો દંડ વસૂલ કર્યો

પ્રતીકાત્મક તસવીર
અમદાવાદઃ જાહેર રસ્તા પર થૂંકીને સુરતને બદસૂરત બનાવતા લોકોએ હવે ચેતી જવાની જરૂર છે. જો હવે સુરતમાં જાહેર રસ્તા પર કોઈ થૂંકશે તો તેમના ઘરે ઈ-મેમો આવશે અને સત્તાવાળાઓ દંડ વસૂલ કરશે.
જાહેરમાં ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સેન્ટરના માધ્યમથી સુરત પોલીસ દ્વારા મુકાયેલા સીસીટીવી દ્વારા મૉનિટરિંગ કરીને જાહેરમાં થૂંકતા લોકો પર નજર રાખીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ૧૮ હજારથી વધુ લોકો સામે દંડનીય કાર્યવાહી કરીને બે લાખ રૂપિયાથી વધુનો દંડ સત્તાવાળાઓએ વસૂલ્યો છે. ૧ એપ્રિલથી સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન આરટીઓ સાથે મળીને જાહેરમાં થૂંકીને ગંદકી ફેલાવતા લોકોને ઈ-મેમો દ્વારા દંડ ફટકારશે. જો કોઈ આવી હરકત કરશે તો તેમના ઘરે ઈ-મેમો આવશે અને દંડનીય કાર્યવાહી થશે.