ગિરનાર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે આટકોટ પાસે અકસ્માત થયો
શ્રુતનિધિ સાધ્વીજી
ગઈ કાલે સવારે સૌરાષ્ટ્રના જસદણ-આટકોટ હાઇવે પર ટ્રૅક્ટરે ટક્કર મારતાં જૂનાગઢ ગિરનાર તરફ વિહાર કરીને જઈ રહેલાં શ્રુતનિધિ સાધ્વીજીને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે તેઓ કાળધર્મ પામ્યાં હતાં અને અન્ય સાધ્વીજી ઘાયલ થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. અકસ્માતમાં સાધ્વીજીનું અવસાન થતાં જૈન સમાજમાં શોક છવાયો હતો.
આટકોટ પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આટકોટથી જસદણ જતા રસ્તા પર ગઈ કાલે સવારે સાત વાગ્યે આ ઘટના બની હતી. સાધ્વીજીઓ ચાલીને જઈ રહ્યાં હતાં ત્યારે ટ્રૅક્ટરની ટક્કર વાગતાં= આ બનાવ બન્યો હતો જેમાં શ્રુતનિધિ સાધ્વીજીનું મૃત્યુ થયું હતું, જ્યારે ધર્મપ્રજ્ઞા સાધ્વીજીને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.’
ADVERTISEMENT
શ્રુતનિધિ સાધ્વીજીના પાર્થિવ દેહને તારાપુરમાં આવેલા મણિલક્ષ્મી તીર્થમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં અગ્નિસંસ્કારની વિધિ કરવામાં આવી હતી. ગુજરાતમાં પગપાળા વિહાર કરીને જઈ રહેલાં સાધુ-સાધ્વીજીઓ સાથે અકસ્માત થવાની આ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ આવી ઘટનાઓ બની છે જેમાં સાધુ-સાધ્વીજીઓએ જીવ ગુમાવવો પડ્યો છે.


