કોર્ટમૅરેજ કર્યા બાદ ૧૧ જૂને કૅનેડા પાછો જવાનો હતોઃ ડિસેમ્બરમાં અમેરિકામાં વિધિવત્ લગ્નનું આયોજન હતુંઃ હાથમાં પહેરેલા કડા અને વીંટીથી મૃતદેહ ઓળખાયો: અમેરિકાના ઇન્ડિયાના સ્ટેટમાં રહેતાં માતા-પિતા આજે ભારત આવ્યા બાદ DNA ટેસ્ટ કરવા માટે સૅમ્પલ આપશે
ગયા શનિવારે રાજકોટમાં કોર્ટમૅરેજ પછી અક્ષય ઢોલરિયા અને ખ્યાતિ સાવલિયા.
રાજકોટના નાના મવા રોડ પર આવેલા ગેમ-ઝોનમાં શનિવારે બપોર બાદ અચાનક લાગેલી આગમાં ૨૮ લોકો હોમાઈ ગયા હતા એમાં કૅનેડાથી ખાસ કોર્ટમૅરેજ કરવા રાજકોટ આવેલા પટેલ સમાજના ૨૪ વર્ષના અક્ષય ઢોલરિયા, તેની ૨૦ વર્ષની પત્ની ખ્યાતિ સાવલિયા અને ૨૪ વર્ષની સાળી હરિતાનો પણ સમાવેશ થાય છે. શનિવારે બપોર બાદ ત્રણેય ફરવા નીકળ્યાં ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આજે તેમના જીવનનો છેલ્લો દિવસ છે. અર્જુન પાર્કમાં રહેતા મામાના ઘરેથી તેઓ બીજી કોઈ જગ્યાએ ફરવા નીકળ્યાં હતાં, પણ અચાનક તેમણે ગેમ-ઝોનમાં જવાનો નિર્ણય લીધો હતો અને તેઓ આગમાં હોમાઈ ગયાં હતાં. અક્ષયના મૃતદેહની ઓળખ તેણે હાથમાં પહેરેલા કડા અને વીંટીથી થઈ છે, જ્યારે એક અઠવાડિયા પહેલાં જ જેની સાથે કોર્ટમૅરેજ કર્યાં હતાં એ ખ્યાતિ સાવલિયા અને સાળી હરિતાના મૃતદેહોની તો ઓળખ પણ નથી થઈ શકી. ખ્યાતિનાં માતા-પિતા રાજકોટના મેઘાણીનગરમાં રહે છે એટલે તેમના મૃતદેહની ઓળખ કરવા DNA ટેસ્ટ માટે તેમણે બ્લડ-સૅમ્પલ આપી દીધાં છે. અક્ષયનાં આગલા શનિવારે કૉર્ટમૅરેજ થયાં હતાં અને આ શનિવારે તેનું પત્ની સાથે મૃત્યુ થયું હતું.



