Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટમાં લાગેલી આગમાં ૩૩નાં મોત, ગુજરાત હાઈકોર્ટેએ લીધી સુઓમોટો નોંધ

રાજકોટમાં લાગેલી આગમાં ૩૩નાં મોત, ગુજરાત હાઈકોર્ટેએ લીધી સુઓમોટો નોંધ

26 May, 2024 03:44 PM IST | Rajkot
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાત હાઈકોર્ટે રાજકોટમાં લાગેલી આગની ઘટનામાં માસૂમ બાળકોના જીવ ગુમાવવા અંગે સુઓમોટો સંજ્ઞાન લીધું છે

તસવીર: પીટીઆઈ

તસવીર: પીટીઆઈ


ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોન (Rajkot Game Zone Fire)માં ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 33 લોકોનાં મોત થયાં છે. આ કેસની સુનાવણી હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, આ માનવસર્જિત આફત છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રાજકોટમાં લાગેલી આગની ઘટનામાં માસૂમ બાળકોના જીવ ગુમાવવા અંગે સુઓમોટો સંજ્ઞાન લીધું છે.

કોર્ટે કહ્યું કે, ગેમિંગ ઝોન (Rajkot Game Zone Fire)ના નિર્માણ અને સંચાલન માટે નિયમિત અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. આ સાથે કોર્ટે કહ્યું કે અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગેમિંગ ઝોન જાહેર સલામતી માટે જોખમી છે. હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે સ્પષ્ટતા માગી હતી.



હાઈકોર્ટે કહ્યું કે કૉર્પોરેશને ખુલાસો કરવો પડશે કે કાયદાની કઈ જોગવાઈ હેઠળ આ ગેમિંગ ઝોન (Rajkot Game Zone Fire)ને ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે કૉર્પોરેશન એક દિવસમાં આ માહિતી આપે. આ સાથે કોર્ટે ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે પણ સ્પષ્ટતા માગી છે. આ મામલામાં આગામી સુનાવણી આવતીકાલે થશે. કોર્ટે ગઈકાલે રાજ્ય સરકારની સાથે તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનોને સમન્સ પાઠવ્યા છે.


ગુજરાત સરકારે 5 સભ્યોની SITની રચના કરી

ઉલ્લેખનીય છે કે, શનિવારે રાજકોટના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, આ દુ:ખદ અકસ્માતમાં 33 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં 9 બાળકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આગના સમયે ગેમિંગ ઝોનમાં સારી એવી સંખ્યામાં લોકો હાજર હતા, કારણ કે શનિવાર રજાનો દિવસ હતો, એટલું જ નહીં, વીકએન્ડમાં ભીડને આકર્ષવા માટે ગેમિંગ ઝોનના મેનેજમેન્ટે 99 રૂપિયાની એન્ટ્રી ફીની સ્કીમ આપી હતી. આ મામલામાં રાજ્ય સરકારે 5 સભ્યોની SITની રચના કરી છે, જે ઘટનાની તપાસ કરીને 72 કલાકમાં રિપોર્ટ સોંપશે.


મૃતદેહોની ઓળખ માટે પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એસઆઈટીની ટીમે આજે સવારે સ્થાનિક પ્રશાસન સાથે બેઠક યોજી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા હતા, તેથી મૃતકોની ઓળખ કરવા માટે મૃતદેહો અને પીડિતોના સંબંધીઓના ડીએનએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સવારે ઘટના સ્થળ અને નાના-માવા રોડ પરની હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગેમ ઝોનના માલિક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.

તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરશે: SIT ચીફ

એસઆઈટીના વડા અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીએ શનિવારે રાત્રે બેઠક પહેલાં કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. તેમણે કહ્યું કે, “આ માટે જવાબદારોને શોધવા માટે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે સુનિશ્ચિત કરવામાં આવશે.” ત્રિવેદીએ કહ્યું કે, “અમે ઘટનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરીશું. જે બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને ન્યાય આપવા માટે અમે પ્રતિબદ્ધતા અને સંપૂર્ણ પ્રમાણિકતા અને અખંડિતતા સાથે કામ કરીશું.”

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2024 03:44 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK