માતાના દૂધમાં શિશુના સ્વાસ્થ્યને સારું રાખવા માટે તમામ ગુણો હોય છે અને એથી જ માતા સંતાનને બ્રેસ્ટ ફીડિંગ કરાવે એ માટે પણ ઝુંબેશ ચાલતી હોય છે.

મોદીના બર્થ-ડેની સુરતની પ્રેગ્નન્ટ મહિલાઓ કરશે અનોખી ઉજવણી
સુરત : ૧૭ સપ્ટેમ્બર, રવિવાર
સ્થળ : અગ્રેસન ભવન, સિટીલાઇટ, સુરત
અવસર : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી
ના, આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી. કેક કાપવાનું આયોજન પણ નથી, પરંતુ એક સાવ અલગ જ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વડા પ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારીઓ થઈ રહી છે. સવારે ૮.૩૦ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ૧૫૦ જેટલી મહિલાઓ ભેગી થઈને આ ઉજવણી કરશે. એ અનોખી ઉજવણી એટલે કે ૧૫૦ મહિલાઓ ‘આધુનિક ધાત્રી’ બનશે. મતલબ કે આ પ્રસૂતાઓ પોતાના દૂધનું દાન કરીને બીજા જરૂરિયાતમંદ બાળકોના જીવનને નવપલ્લવિત કરવાનું કામ કરશે. ૨૦થી વધુ તબીબો અને ૩ સંસ્થાઓની ૪૦થી વધુ મહિલા કાર્યકરો ભેગાં મળીને આ નવતર કૅમ્પને સફળ બનાવવાનું કામ કરી રહ્યાં છે. આ કૅમ્પના પાયામાં રહેલી સંસ્થા અમૃતમ છે.
નવજાત શિશુ જન્મે એટલે તેને માટે માતાનું દૂધ ખૂબ જરૂરી હોય છે. માતાના દૂધમાં શિશુના સ્વાસ્થ્યને સારું રાખવા માટે તમામ ગુણો હોય છે અને એથી જ માતા સંતાનને બ્રેસ્ટ ફીડિંગ કરાવે એ માટે પણ ઝુંબેશ ચાલતી હોય છે. બાળકના વિકાસ માટે, ખાસ કરીને માનસિક વિકાસ માટે માતાના દૂધ જેવો બીજો એકેય ખોરાક બાળકો માટે હોતો નથી, પરંતુ ક્યારેક માતા ઇચ્છતી હોય તો પણ તે સંતાનને દૂધ પાઈ શકતી નથી. વહેલાં જનમતાં બાળકો હોય કે માતાને દૂધ આવતું ન હોય એવી માતાનાં બાળકોના વિકાસનું શું થઈ શકે એ વિચાર નવો નથી. સદીઓ પહેલાં પણ આપણી સંસ્કૃતિમાં ધાત્રી માતાઓનું મહત્ત્વ આલેખાયેલું જ છે. બાળકને તેની પોતાની માતા દૂધ પીવડાવી શકે એમ ન હોય એવા બાળકને ગામમાં રહેતી બીજી પ્રસૂતા પોતાનું દૂધ પાઈને ઉછેરે એવા અનેક દાખલા પૌરાણિક કથામાં મળી આવે છે. આધુનિક યુગમાં એ પરંપરા રહી નથી, પણ ચિંતા એ છે કે બાળક વહેલું જન્મ્યું હોય કે દૂધ ઊતરતું ન હોય એવી માતાના સંતાનનો વિકાસ કેવો થશે?
હવે છેલ્લાં પાંત્રીસેક વર્ષથી અસલી સુરતી બની ગયેલા કુંજ પનસારીને ત્યાં ૨૦૦૮માં પારણું બંધાયું. એ વખતે તેમણે પત્ની તથા સંતાન માટે અવારનવાર હૉસ્પિટલ જવાનું થતું. એ સમયે હૉસ્પિટલમાં બીજાં બાળકો તથા ચિંતાતુર માતાઓને જોઈને તેમને પણ ચિંતા થઈ અને એમાંથી સુરતમાં એક અનોખો સેવાયજ્ઞ શરૂ થયો, ‘માતાઓ પાસેથી દૂધનું દાન લઈને જરૂરિયાતમંદ બાળકોને દૂધ પૂરું પાડવાનો.’
વિચારનું બીજ પ્રાઇવેટ હૉસ્પિટલમાં રોપાયું અને એ દિશામાં અનેક ચિંતન કર્યા બાદ સુરતની સિવિલ હૉસ્પિટલમાં મિલ્ક-બૅન્ક શરૂ થઈ. ભગવાને બહુ આપ્યું છે અને તે મને નિમિત્ત બનાવીને એક સારું કામ કરાવી રહ્યો છે. હું ફક્ત નિમિત્ત માત્ર છું એવું કહીને કુંજ પનસારી કહે છે કે ‘આ કામ એકલા હાથે થઈ શકે એવું નથી. પહેલાં તો આખો વિચાર જ નવો હતો, એ માટે સુરત પીડિયાટ્રિશ્યન અસોસિએશનની સાથે ચર્ચા કરવા સાથે કઈ રીતે વિચારને મૂર્તિમંત કરવો એ પ્લાનિંગ કર્યું. એ તો મિલ્ક-બૅન્ક બનાવવાની દિશામાં પહેલું પગથિયું ગણાય, પરંતુ એને માટે મહિલાઓને દૂધનું દાન કરવા માટે સમજાવવા મહિલાઓ હોય તો બહુ ઉપયોગી થઈ પડે. આખા પ્રોજેક્ટના કેન્દ્રમાં પહેલાં તો સુરતની રોટરી ક્લબને સાંકળી લીધી અને મહિલા વૉલન્ટિયર્સ માટે મહિલા સંગઠનો સામેલ કરાયાં અને થયું એક સેવાનું કામ.’
અત્યાર સુધી અમૃતમ સંસ્થાના નેજા હેઠળ ૮,૨૧,૫૫૦ મિલીલિટર દૂધ ભેગું કરાયું છે અને નવજાત શિશુઓને અપાયું છે.