સુરતીઓનાં જે કામ હશે એ પરિપૂર્ણ કરવાની કોશિશ કરીશું : નવા મેયરે આપી ખાતરી

સુરતના નવા મેયર દક્ષેશ માવાણીને વિદાય લઈ રહેલાં મેયર હેમાલી બોઘાવાલા સહિતના અગ્રણીઓએ શુભેચ્છા આપી હતી (તસવીર : પ્રદીપ ગોહિલ)
દક્ષિણ ગુજરાતમાં આવેલા અને ડાયમન્ડ સિટી તરીકે ખ્યાતિ પામેલા સુરત શહેરના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી છે. મેયર તરીકે નિમણૂક પામ્યા બાદ તેઓએ સુરતીઓનાં કામને પરિપૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ગઈ કાલે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન તરીકે રાજન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે શશિકલા ત્રિપાઠી અને દંડક તરીકે ધર્મેશ વાણિયાવાલાની વરણી કરાઈ હતી. નવા સભ્યો તેમની નિમણૂકથી ખુશ થયા હતા અને વરણી પામેલા તમામ હોદ્દેદારોને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.
સુરતના નવા મેયર દક્ષેશ માવાણી, સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન રાજન પટેલ, શાસક પક્ષનાં નેતા શશિકલા ત્રિપાઠી અને દંડક ધર્મેશ વાણિયાવાલા (તસવીર : પ્રદીપ ગોહિલ)
દક્ષેશ માવાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘સુરતના સર્વાંગી વિકાસ માટે મારા અઢી વર્ષના કાર્યકાળમાં સેવા કરવા તત્પર રહીશ. મને જે જવાબદારી મળી છે એ પૂરી કરવા આવનારા સમયમાં અમારા શિર્ષ નેતૃત્વના માર્ગદર્શનમાં પ્લાનિંગ કરીશું. સુરતના સુરતીઓનાં સપનાંઓનાં જે કામ હશે એને પરિપૂર્ણ કરવાની કોશિશ કરીશું.’