વડા પ્રધાને આ બ્રિજ માટે આવા શબ્દો વાપરીને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓેને એનું અધ્યયન કરવાનું સૂચન કર્યું. દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાને આપી ૪૧૦૦ કરોડના વિકાસ-પ્રકલ્પોની ભેટ
સુદર્શન સેતુ
દ્વારકાઃ ગઈ કાલે દ્વારકાની સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજની પેઢી નવા ભારતનું નિર્માણ થતું જોઈ રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલા મેગા પ્રોજેક્ટને કારણે નવા ભારતની નવી તસવીર બની છે. ભારતે આધુનિક કનેક્ટિવિટીથી સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્રનિર્માણનો માર્ગ કંડાર્યો છે. જેનો સકારાત્મક પ્રભાવ દેશ અને ગુજરાતના પ્રવાસન પર પડ્યો છે.
હજારોની જનમેદની વચ્ચે વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘દેશમાં આધુનિક સુવિધાઓ ઊભી થતાં વિદેશી પર્યટકોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થઈ રહી છે. ૨૦૨૨ દરમ્યાન ૮૫ લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી હતી. એમાંથી એકલા ગુજરાતમાં જ ૧૫.૫ લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ઈ-વિઝા ઉપરાંત પ્રવાસન સ્થળો સાથેની વધેલી કનેક્ટિવિટી અને સુવિધાઓને કારણે દેશનાં પર્યટન સ્થળોનું વિદેશમાં આકર્ષણ વધ્યું છે. જેને કારણે ગુજરાતમાં રોજગાર અને સ્વરોજગારના અવસરો વધ્યા છે.’
ADVERTISEMENT
પૌરાણિક નગરી દ્વારકા ખાતેથી વડા પ્રધાને દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં ૪૧૦૦ કરોડ રૂપિયાના વિવિધ ૧૧ વિકાસ-પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ-કામોમાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. વડા પ્રધાને જણાવ્યું કે ‘સુદર્શન સેતુ ઓખા અને બેટ-દ્વારકા દ્વીપને જોડવાની સાથે દ્વારકાધીશના દર્શનને વધુ આસાન બનાવશે અને એની દિવ્યતાને ચારચાંદ લગાવશે, એ ઈશ્વરરૂપી જનતા જનાર્દનના સેવક મોદીની ગૅરન્ટી છે.’
સુદર્શન સેતુ માત્ર સુવિધા નથી, પરંતુ ઇજનેરી કૌશલ્યનું અદ્ભુત ઉદાહરણ છે, એમ જણાવતાં મોદીએ ઉમેર્યું કે ‘એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓેએ સુદર્શન સેતુનું અધ્યયન કરવું જોઈએ. આ સુદર્શન સેતુ, સુ-દર્શન છે. સુદર્શન સેતુ ભારતનો સૌથી લાંબો કેબલ આધારિત પુલ છે. સુદર્શન સેતુને કારણે ઓખા ફરીથી દુનિયાના નકશામાં ચમકશે.’ ઓખાના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતાં વડા પ્રધાને કહ્યું કે ‘એક સમયે ઓખા વેપારી-બંદર તરીકે વિખ્યાત હતું. ઓખાની એટલી શાખ હતી કે અહીં મોકલવામાં આવતી વસ્તુઓ ઉત્તમ ગુણવત્તાવાળી માનવામાં આવતી હતી. રશિયાના એક પ્રાંતમાં આજે પણ સારામાં સારા સ્ટોર કે મૉલના નામ આગળ ઓખા લગાવવામાં આવે છે. ત્યાં ઓખા એટલે ઉત્તમ ગુણવત્તા.’
નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે ‘ભગવાન શ્રીકૃષ્ણએ સુદર્શન સેતુનું નિર્માણ કરવાનું મારા ભાગ્યમાં લખ્યું હતું. પરમાત્માના આદેશનું પાલન કરીને એ દાયિત્વને મેં નિભાવ્યું છે. વડા પ્રધાને આ પ્રસંગે દ્વારકા તીર્થસ્થાનને યાત્રાળુઓના મનમાં વસી જાય એવું સ્વચ્છ રાખવા માટે સ્થાનિકોને આહ્વાન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘વડા પ્રધાનના ગુજરાત પ્રવાસના આ તબક્કામાં કુલ બાવન હજાર કરોડ રૂપિયાનાં વિકાસ-કામોની ભેટ સૌરાષ્ટ્રને મળી છે. આજના વિકાસ-ઉત્સવે નવાં સિમાચિહ્ન સ્થાપિત કર્યાં છે.
સુદર્શન સેતુની વિશેષતાઓ
બ્રિજની લંબાઈ ૨૩૨૦ મીટર, જેમાં ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે.
બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ x ૧૨ મીટરના ૪ - મોરપંખ આકારવામાં આવ્યા છે.
ઓખા સાઇડ અપ્રોચ બ્રિજની લંબાઈ ૩૭૦ મીટર, બેટ સાઇડ અપ્રોચ બ્રિજની લંબાઈ ૬૫૦ મીટર.
બ્રિજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઈ ધરાવતા બે પાયલોન છે.
આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ ૨૭.૨૦ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરની ફુટપાથ છે.
ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણીકામ કરી ભગવદ્ગીતાના શ્લોક તેમ જ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દર્શાવવામાં આવ્યું છે.
ફુટપાથ ઉપર લગાવેલી સોલાર પૅનલથી ૧ મેગાવૉટ વીજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજ પરના લાઇટિંગમાં થશે.
બ્રિજ પર કુલ ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગૅલરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
બ્રિજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટિવ લાઇટિંગની વ્યવસ્થા કરાઈ છે.
ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્રોના વિકાસ વિશે શું કહ્યું વડા પ્રધાને?
દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજી જેવાં તીર્થસ્થાનોમાં પ્રવાસીઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હેરિટેજ સિટી અમદાવાદ, રાણીની વાવ, ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડનો દરજ્જો પ્રાપ્ત થયો છે, તો કચ્છના ધોરડોને યુનેસ્કોએ શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન સ્થળનો દરજ્જો આપ્યો છે. દ્વારકા નજીક શિવરાજપુર બિચને પણ બ્લુ ટેગ મળતાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. રણોત્સવ, નડાબેટ, ગીર અભયારણ્ય, ગિરનાર, એસઓયુ, લોથલ જેવાં સ્થળો ભરપૂર વિકસ્યાં છે. અમારી સરકાર દ્વારા ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે આસ્થાનાં કેન્દ્રોનું સંવર્ધન થઈ રહ્યું છે.

