સિંદૂર સન્માન યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીની ફૅમિલીનું અભિવાદન ઝીલ્યું નરેન્દ્ર મોદીએ, વડા પ્રધાને પોતાની કાર ધીમે કરાવીને સાંકેતિક ભાષામાં ફૅમિલીને પૂછ્યું...
વડોદરામાં કર્નલ સોફિયાના પરિવારજનો તેમ જ અન્ય શહીદ જવાનોની ફૅમિલીએ નરેન્દ્ર મોદી પર ગુલાબની પાંખડીઓની પુષ્પવર્ષા કરી હતી. નરેન્દ્ર મોદીએ હાથના ઇશારાથી તેમનું સન્માન ઝીલ્યું હતું.
વડોદરામાં નરેન્દ્ર મોદીના સ્વાગત-સન્માન માટે યોજાયેલી સિંદૂર સન્માન યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનોનું અભિવાદન નરેન્દ્ર મોદીએ ઝીલ્યું હતું અને પોતાની કારને ધીમી કરાવીને સાંકેતિક ભાષામાં ફૅમિલીને પૂછ્યું હતું કે કેમ છો, મજામાં?
નરેન્દ્ર મોદીનો કાફલો ઍરપોર્ટથી ઍરફોર્સ તરફ જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં સ્ટેજ પર બેઠેલા કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનોને જોઈને નરેન્દ્ર મોદીએ તેમની કાર સ્ટેજ નજીક લઈ જવા સૂચના આપી હતી. કાર નજીક ગઈ ત્યારે કર્નલ સોફિયાના પરિવારજનોએ નરેન્દ્ર મોદી પર ગુલાબની પાંખડીઓની પુષ્પવર્ષા કરી હતી. કર્નલ સોફિયાના પરિવારજનોએ વડા પ્રધાનના અભિવાદન-સ્વીકૃતિની ક્ષણને ગૌરવપૂર્ણ ગણાવી હતી. આ પરિવાર સાથે સેનામાં ફરજ દરમ્યાન શહીદ થયેલા આઠ જવાનોના પરિવારજનો પણ સામેલ થયા હતા અને વડા પ્રધાન પર ફૂલોની વર્ષા કરીને તેમનું અભિવાદન કર્યું હતું. કર્નલ સોફિયાની જોડિયા બહેન શાયના સુનસરાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીને મળીને સારું લાગ્યું. તેમણે નમન કર્યું અને અમે પણ નમન કર્યું. એ ખૂબ અલગ ક્ષણ હતી. તેમણે મહિલા સશક્તીકરણ માટે ઘણું કામ કર્યું છે. જ્યારે મારી બહેન દેશ માટે કંઈક કરે છે ત્યારે તે ફક્ત તમને જ નહીં, પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે.’
ADVERTISEMENT
વડોદરામાં જોવા મળ્યો સિંદૂર-સ્પૉટ, જ્યાં માથામાં સિંદૂર પૂરવા માટે મહિલાઓ ઊમટી

માથામાં સિંદૂર પૂરવા માટે સિંદૂર-સ્પૉટ પર ઊમટેલી મહિલાઓ.
ઑપરેશન સિંદૂર બાદ પહેલી વાર વડોદરા આવી રહેલા નરેન્દ્ર મોદીના સ્વાગત-સન્માન માટે ગઈ કાલે યોજાયેલી સિંદૂર યાત્રામાં મોટી સંખ્યામાં વડોદરાની નારીશક્તિ ઊમટી હતી. રોડ-શો જેવી આ સિંદૂર યાત્રામાં ખાસ નોંધનીય અને આશ્ચર્યજનક બાબત એ જોવા મળી હતી કે યાત્રાના રૂટ પર સિંદૂર-સ્પૉટ બનાવ્યો હતો જ્યાં મૂકેલા સિંદૂરથી માથામાં સિંદૂર પૂરવા માટે મહિલાઓ ઊમટી હતી અને લાઇન લગાવી હતી.
વડોદરામાં ઍરપોર્ટ સર્કલ પાસે બનાવેલા સિંદૂર-સ્પૉટમાં એક ટેબલ પર ફૂલો પાથરીને એમાં સિંદૂર રાખવામાં આવ્યું હતું અને સામે પડદા પર અરીસો લગાવ્યો હતો. સિંદૂર યાત્રામાં વડોદરાની મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર આવી હતી અને આ સિંદૂર-સ્પૉટ જોતાં લગભગ તમામ મહિલાઓએ આ સ્પૉટ પર જઈને સિંદૂર લઈને અરીસામાં જોઈને પોતાના માથા પર સિંદૂર લગાવીને ગર્વની અનુભૂતિ કરી હતી. એટલું જ નહીં, મહિલાઓએ આ રીતે સિંદૂર પૂરીને સેલ્ફી અને ફોટો પણ પાડ્યા હતા.
અહિલ્યાબાઈ હોલકરની યાદ અપાવી વડોદરાના સખીવૃંદે

વડોદરામાં યોજાયેલી સિંદૂર યાત્રામાં શહેરનાં વિવિધ કલા-ગ્રુપો ઍરપોર્ટ રોડ પર ઊમટ્યાં હતાં. આ ગ્રુપ પૈકી અહિલ્યાબાઈ હોળકર ગ્રુપની મહિલાઓ અને યુવતીઓ પણ પોતાના આગવા ડ્રેસિંગ સાથે આવી હતી. ભારતની સાંસ્કૃતિક વિરાસતને પુનઃ જીવિત કરવામાં યોગદાન આપનારી નારીરત્ન અહિલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જયંતી મનાવવામાં આવી રહી છે ત્યારે વડોદરાના આ સખીવૃંદે તેમની યાદ તાજી કરાવી હતી.
સિંદૂર યાત્રામાં મુસ્લિમ સમાજની મહિલાઓ અને કિશોરીઓ ઉત્સાહભેર જોડાઈ


વડોદરામાં યોજાયેલી સિંદૂર યાત્રામાં મુસ્લિમ સમાજની મહિલાઓ અને કિશોરીઓ ઉત્સાહભેર જોડાઈ હતી. મુસ્લિમ સમાજની મહિલાઓ માર્ગ પર જોવા મળી હતી અને આ ક્ષણને યાદગાર બનાવવા માટે સેલ્ફી પણ પાડી રહી હતી. મુસ્લિમ સમાજની છોકરીઓ હાથમાં તિરંગા સાથે આવી હતી અને તિરંગો લહેરાવીને નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું.
તિરંગા સાથે વિદેશી સ્ટુડન્ટ્સ જોડાયા સિંદૂર યાત્રામાં

ઑપરેશન સિંદૂર પછી વડોદરા આવેલા નરેન્દ્ર મોદીના સન્માન માટે યોજાયેલી સિંદૂર યાત્રામાં શહેરીજનો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. એની સાથે-સાથે વડોદરામાં અભ્યાસ કરવા આવેલા વિદેશના સ્ટુડન્ટ્સ પણ હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આતંકવાદી હુમલાનો જવાબ ભારતે આપ્યો એ બદલ વિદેશી સ્ટુડન્ટ્સે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. આ સ્ટુડન્ટ્સ યાત્રાના માર્ગ પર તિરંગા સાથે ફર્યા હતા.


