ગુજરાતના ૬૯ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ૨૨ તાલુકાઓમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ
દક્ષિણ ગુજરાતમાં ગઈ કાલે મેઘરાજા ઓળઘોળ થયા હોવાનું ચિત્ર ઊપસ્યું હતું અને નવસારી અને વલસાડ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. મેઘરાજાએ આ બે જિલ્લાઓને ધમરોળ્યા હતા. સવાર-સવારમાં નવસારીના ગણદેવીમાં ચાર કલાકમાં છ ઇંચ જેટલો મુશળધાર તો વલસાડમાં બે કલાકમાં ત્રણ ઇંચ સાથે કુલ છ ઇંચ જેટલો ધોધમાર અને ખેરગામમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું હતું એટલું જ નહીં, ભારે વરસાદને પગલે જલાલપોરનું ખરસાડ ગામ બેટમાં ફેરવાયું હતું. સાંજે ૬ વાગ્યા સુધીમાં તાપી, નર્મદા, સુરત, દાહોદ, ભરૂચ, આણંદ સહિત ગુજરાતના ૬૯ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ૨૨ તાલુકાઓમાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

