અંબાજીનો વિશ્વવિખ્યાત ભાદરવી પૂનમનો મેળો આધ્યાત્મિક માહોલ વચ્ચે સંપન્ન ઃ માઈભક્તે ૨૫૦ ગ્રામની ત્રણ લગડી સોનું કર્યું અર્પણ, વઢવાણના સંઘે ચડાવી ડિજિટલ ધજાઃ માનતા-બાધા પૂરી કરવા કોઈએ દંડવત્ સાથે તો કોઈએ સૂઈને કરી યાત્રા
વઢવાણના સંઘે બનાવેલી ડિજિટલ ધજા
અમદાવાદ ઃ આસ્થા અને શ્રદ્ધાના સ્થાન સમા વિશ્વવિખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ગઈ કાલે ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. આ વખતે વહીવટી તંત્રના ધાર્યા કરતાં વધુ માઈભક્તો દર્શન કરવા આવ્યા હતા અને અત્યાર સુધીના મેળામાં આ વખતે રેકૉર્ડબ્રેક અંદાજે ૪૬ લાખથી વધુ ભક્તોએ અંબેમાના ચરણે શિશ નમાવીને ધન્યતા અનુભવી હતી. આ વખતના મેળામાં ગયા વર્ષ કરતાં ૨૦ લાખ શ્રદ્ધાળુઓ વધુ આવ્યા હતા.
ગઈ કાલે પૂનમે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે ૬ લાખથી વધુ માઈભક્તોએ મંદિરમાં દર્શન કર્યાં હતાં. આ વખતે અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ૪૦ લાખ ભાવિકો આવવાનો અંદાજ વહીવટી તંત્રએ લગાવ્યો હતો, પરંતુ મેળાના ૭ દિવસ દરમ્યાન અંબાજીમાં ગઈ કાલે સાંજે સાડાછ વાગ્યા સુધીમાં ૪૫,૫૪,૧૦૫ માઈભક્તોએ અંબેમાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ આ વખતે મેળામાં ધાર્યા કરતાં વધુ ભક્તો દર્શન કરવા ઊમટ્યા હતા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે કહ્યું હતું કે ‘મહામેળામાં અંદાજે ૪૬ લાખ લોકોએ અંબામાનાં દર્શન કર્યાં હતાં, જે આજ સુધીના ભાદરવી પૂનમના મેળામાં દર્શન કરવા આવેલા ભાવિકોની સૌથી વધુ સંખ્યા છે. ગયા વર્ષે ભાદરવી પૂનમના મેળામાં ૨૬
ADVERTISEMENT
લાખ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો, એને જોતાં આ વર્ષે અંદાજે ૨૦ લાખ લોકોનો વધારો થયો છે જે વિક્રમ છે.’
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બરનવાલાએ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગઈ કાલે મંદિરમાં જઈને ધ્વજારોહણ કર્યું હતું. અંબે માતાજીનાં દર્શન કરીને તેમણે કહ્યું કે મા અંબાજીના આશીર્વાદ વગર આટલા મોટા આયોજનને પહોંચી વળવું શક્ય નહોતું. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમા આ મેળાના છેલ્લા દિવસે શ્રદ્ધાળુઓનાં ઘોડાપૂર ઊમટ્યાં હતાં. અંબાજીમાં ચારે બાજુ જય અંબેનો જયઘોષ થઈ રહ્યો હતો. માઈભક્તો પગપાળા તેમ જ વાહનમાં બેસીને અંબાજી આવ્યા હતા અને માતાજીનાં દર્શન કર્યાં હતાં. પોતાની બાધા-માનતા અને મનોકામના પૂરી કરવા માટે ઘણા ભક્તો દંડવત્ કરતાં-કરતાં તો કોઈક સૂઈને આળોટતાં-આળોટતાં તો કેટલીક મહિલાઓએ માથે ગરબો મૂકીને પગપાળા આવી અંબેમાનાં દર્શન કર્યાં હતાં.

બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બરનવાલ સાથી-કર્મચારીઓ સાથે ધજા ચડાવવા આવ્યા હતા.
અંબાજીમાં ૭ દિવસ દરમ્યાન પ્રસાદનાં ૧૮,૪૧,૪૮૧ પૅકેટનું વિતરણ થયું હતુ. ૬,૮૯,૭૨,૫૫૬ રૂપિયા દાન-ભેટમાં અર્પણ કર્યા હતા. અંબાજીના મેળામાં એક માઈભક્તે ૨૫૦ ગ્રામની ત્રણ લગડી સોનું અર્પણ કર્યું હતું એ સાથે કુલ ૫૨૦ ગ્રામ સોનું માઈભક્તો દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. ગઈ કાલે મંદિર પર ૩૩૭૭ ધજા ચડાવવામાં આવી હતી. અંબાજી મંદિરમાં વઢવાણના સંઘે ડિજિટલ ધજા ચડાવી હતી. આ ધજાની વિશેષતા એ છે કે સૂર્યાસ્ત થતાં ઝગમગી ઊઠે અને સૂર્યોદય થતાં બંધ થઈ જાય છે.


