વલસાડમાં ફરજ બજાવતા અને અમદાવાદમાં રહેતા આઇપીએસનાં પત્નીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદઃ વલસાડમાં ફરજ બજાવતા અને અમદાવાદમાં રહેતા આઇપીએસનાં પત્નીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. સુરત લગ્નપ્રસંગમાંથી અમદાવાદ પાછા ફર્યા બાદ રાતે કોઈ અગમ્ય કારણસર મહિલાએ જીવન ટૂંકાવ્યું હતું. આઇપીએસ રાજન સુસરાએ સવારે પત્નીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈને પોલીસને જાણ કરી હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઇડ-નોટ નથી કે હાલ કોઈ રીઝન જાણવા મળ્યું નથી.
બોડકદેવ પોલીસ સ્ટેશનના પોલીસ-અધિકારીએ મીડિયાને આ કેસની માહિતી આપતાં કહ્યું હતું કે ‘થલતેજ વિસ્તારમાં આવેલા શાંગ્રીલા બંગલોમાં રહેતા અને વલસાડ મરીન ટાસ્ક ફોર્સમાં એસપી તરીકે ફરજ બજાવતા રાજન સુસરાનાં ધર્મપત્ની સાલુબહેને ગુરુવારે રાત્રે તેમના ઘરમાં પોતાની જાતે ગળે ફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે. તેમની ડેડ-બૉડીને સોલા સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાઈ હતી. સાલુબહેન સુરતમાં લગ્નપ્રસંગમાં ગયાં હતાં અને ત્યાંથી ઘરે આવ્યાં હતાં. તેમના પતિ રાજન સુસરા વહેલા આવી ગયા હતા અને સૂઈ ગયા હતા.
ગઈ કાલે સવારે રાજનભાઈ ઊઠ્યા ત્યારે તેમણે જોયું કે નીચેનો રૂમ બંધ છે તો દરવાજો ખોલીને જોયું તો પત્ની ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતાં જેથી તેમણે પોલીસને જાણ કરી હતી.’
આ કેસમાં પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઇડ-નોટ નથી કે કોઈ રીઝન મળ્યું નથી.

