પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊકળતા ચરુ જેવી સ્થિતિ છે. ભારતીય સેનાએ પોતાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊકળતા ચરુ જેવી સ્થિતિ છે. ભારતીય સેનાએ પોતાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. એ દરમ્યાન પાકિસ્તાની નૌસેનાએ ૩૦ એપ્રિલે ફાયરિંગ-ડ્રિલ શરૂ કરી હતી, જેનો ભારતે વળતો જવાબ આપ્યો છે. ભારતીય નૌસેનાએ પોતાનાં યુદ્ધજહાજો દરિયામાં ઉતારી દીધાં છે. ભારતીય નૌસેનાએ ૩૦ એપ્રિલથી ગુજરાતના અરબી સમુદ્રમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના આગળના વિસ્તારોમાં એ તહેનાત છે. નૌસેનાએ Navigational Area Warning જાહેર કરી છે અને એનો મતલબ થાય છે આ વિસ્તારમાં લાઇવ ફાયર થવાનું છે અને કોઈ પણ શિપ અહીં એની આસપાસ ન આવે. કોઈ પણ અસામાન્ય પ્રવૃત્તિ સામે યુદ્ધજહાજો સતર્ક છે. ગુજરાતના દરિયામાં નૌસેના અને કોસ્ટગાર્ડ સંયુક્ત રીતે પૅટ્રોલિંગ કરી રહ્યા છે.
અગાઉ ભારતીય નૌસેનાએ લાંબા અંતરના ટાર્ગેટ પર સટિક હુમલાની તૈયારીના ભાગરૂપે મિસાઇલોનું ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. એ દરમ્યાન યુદ્ધજહાજોથી અનેક ઍન્ટિ-શિપ મિસાઇલ ફાયરિંગ કરીને સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.


