સુરતનાં મોટા ભાગનાં હીરાનાં કારખાનાંઓમાં કામ ઓછું છે એને કારણે તેઓ હવે બે દિવસ રજા રાખતા થયા છે અથવા તો તેમણે કામકાજના કલાકો ઘટાડી નાખ્યા છે : અમેરિકામાંની મંદી, અન્ય દેશોમાંની મની ક્રાઇસિસ તથા લંબાયેલા યુક્રેન યુદ્ધને પરિણામે રૉ મટીરિયલ પણ..
સુરતમાં ડાયમન્ડના કારખાનામાં કામ કરી રહેલા રત્નકલાકારો. પ્રદીપ ગોહિલ.
અમદાવાદ ઃ સુરતના ડાયમન્ડ બજારને ફરી પાછું મંદીનુ ગ્રહણ લાગ્યું છે. આમ તો છેલ્લા છએક મહિનાથી સુરતના ડાયમન્ડ બજારમાં મંદીનો પવન ફૂંકાવાનું ચાલુ થયું છે, પરંતુ એની અસર હવે વર્તાઈ રહી છે. એને કારણે સુરતમાં ડાયમન્ડના ઘણાબધા કારખાનાવાળાઓ શનિ-રવિવારે રજા રાખતા થઈ ગયા છે અથવા તો કામના કલાકોમાં ઘટાડો કરીને રત્નકલાકારોને કામ આપવામાં ઍડ્જસ્ટમેન્ટ કરી રહ્યા છે. ખાસ કરીને નાના કારખાનેદારોને મંદીની વધુ અસર વર્તાઈ રહી છે. અમેરિકા સહિતના દેશોમાં મંદીનો માહોલ, મની ક્રાઇસિસ તેમ જ યુક્રેન-રશિયા યુદ્ધની અસર પણ ડાયમન્ડ બજાર પર પડી હોવાનો મત સુરત ડાયમન્ડ બજારના અગ્રણીઓએ ‘મિડ-ડે’ સમક્ષ વ્યક્ત કર્યો હતો.
સુરત ડાયમન્ડ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ઇન્ડિયન ડાયમન્ડ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરતના ડાયમન્ડ બજાર પર મંદીની અસર થઈ છે. સુરત ડાયમન્ડ બજારનું મુખ્ય કન્ઝમ્પ્શન માર્કેટ અમેરિકા છે. ડાયરેક્ટ આપણું ૩૫ ટકા જેટલું એકસપોર્ટ અમેરિકા થાય છે. હવે અમેરિકામાં મંદીનો માહોલ છે. ખરીદી ઓછી છે એની નેગેટિવ ઇફેક્ટ અહીં પડી છે. બીજી બાજુ અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધ મૂક્યા છે એને કારણે મોટા ભાગની પતલી રફ અલરોઝા કંપની સેલ કરતી એ આપણા ૫૦ ટકાથી વધારે કારખાનાંઓમાં આવતી એમાં શૉર્ટ સપ્લાય છે. રૉ મટીરિયલ ન હોય એટલે કારખાનાં ચલાવવામાં મુશ્કેલી થાય એને કારણે આ પ્રૉબ્લેમ થયા છે. છેલ્લા કેટલાક મહિનાથી આવું ચાલી રહ્યું છે. અત્યાર સુધી કારખાનાવાળા સસ્ટેન કરતા હતા, પરંતુ હવે મંદીની ઇફેક્ટ વર્તાઈ રહી છે. રૉ મટીરિયલ ન હોય તો કારખાનામાં કારીગરોને કેવી રીતે સાચવવા એટલે ઘણાંબધાં કારખાનાંઓમાં શનિવાર-રવિવાર એમ બે રજા અપાઈ રહી છે. એથી કારીગરોને પાંચ દિવસ કામ આપી શકાય. કારખાનાવાળા આ સ્વૈચ્છિક રીતે તેમની ક્ષમતા પ્રમાણે ઍડ્જસ્ટમેન્ટ કરીને કામ કરી રહી છે. મોસ્ટ્લી નાનાં કારખાનાં હોય અને બીજા પર ડિપેન્ડ હોય એવાં કારખાનાં પર વધારે ઇફેક્ટ થાય છે.’
સુરતમાં લક્ષ્મી ડાયમન્ડવાળા ચુનીભાઈ ગજેરાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મંદી તો છ-આઠ મહિનાથી છે. જેમને જે રીતે પ્રોડક્શન અને સેલ હોય એ રીતે કામ કરે છે. જાડા હીરામાં વધારે પ્રૉબ્લેમ છે. પતલો માલ છે એ થોડો-થોડો ચાલે છે. એક રજા રાખે કે બે રજા રાખે, પણ સપ્લાય ડિમાન્ડનો મોટો ઇશ્યુ થયો છે એના હિસાબે બધી અફરાતફરી છે. છેલ્લા ૬ મહિનાથી આ રીતે ચાલે છે. ઘણા લોકો શનિ-રવિવારે કારખાનાં બંધ રાખે છે, તો ઘણા બે કે ત્રણ કલાકનો સમય ઘટાડીને કામકાજ ચલાવી રહ્યા છે. પ્રૉબ્લેમ છે, કેમ કે યુક્રેન–રશિયાનું યુદ્ધ ચાલે છે. એ ઉપરાંત યુરોપ, અમેરિકા, ચાઇના અને ભારતમાં બધે મની ક્રાઇસિસ ચાલે છે અને ડાયમન્ડ એ લક્ઝરી આઇટમ છે એટલે આ બજાર પર અસર પડી છે. જોકે અમારી ફર્મમાં રેગ્યુલર કામ ચાલે છે.’


