દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની તેમ જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં ૧૦૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો , સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં અઢી ઇંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બુધવારે રાતે પડેલા ધોધમાર વરસાદને પગલે ચાણક્યપુરી ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. તસવીર જનક પટેલ
આજથી ચાર દિવસ ગુજરાતમાં વરસાદનું જોર રહે એવાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની તેમ જ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં આજથી ચાર દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ચાર દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમ જ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે; જ્યારે કચ્છ, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, આણંદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, ભાવનગર, પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT
અમદાવાદમાં બુધવારે રાતે ૧૨ વાગ્યાથી વહેલી સવાર સુધી વરસાદ પડતાં ચાંદલોડિયા વિસ્તારને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ ગયાં હતાં. એમાં એક કાર ફસાઈ ગઈ હતી જેને ગઈ કાલે બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૦૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં અઢી ઇંચથી વધુ અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સવાબે ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી સહિત કાલાવડ, ખેડબ્રહ્મા, પાલિતાણા, કાંકરેજ, જેતપુર, દિયોદર, સિનોર, વાગરા, મેંદરડા તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતના સુરત, જૂનાગઢ, જામનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં બુધવારે રાતે ૧૨ વાગ્યાથી વહેલી સવાર સુધી વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. શહેરના રામોલ વિસ્તારમાં બે ઇંચ, ચાંદલોડિયા વિસ્તારમાં પોણાબે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.


