અમદાવાદ, સુરત, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં આંખ લાલ થવી, આંખમાં સોજા આવવા, ખંજવાળ આવવી કે પાણી આવવા સહિતની ફરિયાદો સાથે દરદીઓ હૉસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર : સરકારના આરોગ્ય વિભાગે સૂચનાઓ બહાર પાડી
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદઃ ચોમાસાની સીઝન શરૂ થતાંની સાથે ગુજરાતમાં આંખોના રોગના કેસો વધી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતનાં શહેરો અને જિલ્લા મથકોએ આવેલી હૉસ્પિટલોના ઓપીડીમાં આંખના દરદીઓની સંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સતર્ક બનીને ઍક્શનમાં આવ્યો છે.
અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હૉસ્પિટલ સહિતની હૉસ્પિટલમાં રોજેરોજ ઓપીડીમાં આંખના રોગની ફરિયાદ સાથે દરદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં આંખ લાલ થવી, આંખમાં સોજા આવવા, ખંજવાળ આવવી કે પાણી આવવું સહિતની ફરિયાદો સાથે દરદીઓ હૉસ્પિટલમાં આવીને સારવાર લઈ રહ્યા છે. ગુજરામાં આંખના રોગના કેસમાં વધારો થતાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કહ્યું છે કે રાજ્યના અમુક જિલ્લાઓમાં આંખો સાથે સંબંધિત વાઇરલ કન્જંક્ટિવાઇટિસના નાના-મોટા કેસો નોંધાયા છે. એનાથી ગભરાવાની જરૂર નથી. રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ જિલ્લા હૉસ્પિટલ, જિલ્લા કક્ષાની હૉસ્પિટલ તેમ જ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં વાઇરલ કન્જંક્ટિવાઇટિસની સારવાર માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આંખના રોગથી બચવા માટે સરકારે સૂચનાઓ જાહેર કરી છે.


