ગુજરાતમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬૬ તાલુકામાં વરસાદ પડ્યો, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધડબડાટી બોલાવી રહેલા મેઘરાજા હવે થોડા ધીમા પડ્યા હોય એમ ગઈ કાલે ગુજરાતમાં વરસાદનું જોર ઓછું રહ્યું હતું. ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬૬ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં ૧૬ તાલુકામાં એક ઇંચથી ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ગઈ કાલે વરસાદનું જોર ઓછું રહ્યું હતું, પરંતુ દક્ષિણ નવસારી જિલ્લા પર વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ચાર ઇંચથી વધુ, ચીખલીમાં અઢી ઇંચથી વધુ અને ખેરગામ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બીજી તરફ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ત્રણ ઇંચ, અમરેલીના ખાંભામાં અઢી ઇંચ જેટલો, ગીરસોમનાથ જિલ્લાના ઉના અને વડોદરા જિલ્લાના કરજણમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તાપી, વલસાડ, છોટાઉદેપુર, સુરત, ભાવનગર, રાજકોટ, નર્મદા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો.


