ભારે વરસાદના પગલે વીજળી પડવાથી અને વાવાઝોડા સહિતના કારણથી ૧૮નાં મોત : બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો વારો કાઢ્યો મેઘરાજાએ : ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડૅમ છલકાયો
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડૅમ છલકાયો હતો.
ગુજરાતમાં આજે અને આવતી કાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વરસાદના કારણે વીજળી પડવાથી, વાવાઝોડાના કારણે તથા અન્ય કારણોથી ગુજરાતમાં ૧૮ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. બીજી તરફ ગઈ કાલે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો મેઘરાજાએ વારો કાઢ્યો હતો અને ભારે વરસાદથી આ જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું.
અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આજથી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ જોવા મળશે. કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિના કારણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર ખાતે બેઠક યોજીને તંત્રની સજ્જ્તાની સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT
વલભીપુર-ભાવનગર હાઇવેને જોડતા ચમારડી પાસેના પુલ પર નદીનાં પાણી ફરી વળતાં રસ્તો બંધ કરાયો હતો.
ગુજરાતમાં ગઈ કાલે રાતે ૮ વાગ્યા સુધીમાં ૨૦૮ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં ૫૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના બરવાળામાં સાડાસાત ઇંચ અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બોટાદ અને મૂળીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે બરવાળા જળબંબાકાર થયું હતું. બોટાદનું કૃષ્ણસાગર તળાવ છલકાઈ ગયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે કૉઝવે પર પાણી ફરી વળતાં ચુડાનું વેરાવદર ગામ સંપર્કવિહોણું બની ગયું હતુ તો નાયકા ડૅમમાં પાણી આવતાં દરવાજા ખોલવા પડ્યા હતા. ગુજરાતમાં અનેક સ્થળોએ પડેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યાં હતાં અને એના કારણે ઘણાં સ્થળે રસ્તા ધોવાયા હતા.
પહેલા જ વરસાદમાં ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડૅમ છલકાયો હતો જેના પગલે હેઠવાસનાં ગામોને અલર્ટ કરાયાં હતાં. બીજી તરફ વલભીપુર-ભાવનગર હાઇવેને જોડતા ચમારડી પાસે આવેલા ચોગઠાનો ઢાળ પાસેના પુલ પરથી નદીનાં પાણી જતાં સલામતીનાં કારણોસર રસ્તો બંધ કરાયો હતો. ભાવનગર જિલ્લામાં વલભીપુરનું થાપનાથ ગામ ટાપુમાં ફેરવાયું હતું અને પાણીમાં ફસાયેલા ૧૪થી વધુ લોકોને સલામત રીતે બહાર કઢાયા હતા.
કચ્છમાં પણ ભારે વરસાદ
કચ્છ જિલ્લામાં પણ વરસાદ તૂટી પડ્યો હતો જેમાં ગાંધીધામમાં ૩.૩૯ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નખત્રાણામાં ૨.૬૪, અંજારમાં ૨.૫૨, ભચાઉમાં ૨.૨, રાપરમાં ૧.૭૭, ભુજમાં ૧.૭૩ ઇંચ વરસાદ પડ્યો હતો. ભુજમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.

