ખાંભામાં સાડાત્રણ ઇંચ, પારડીમાં સવાત્રણ ઇંચ, સાવરકુંડલામાં ત્રણ ઇંચથી વધુ અને સુરતમાં બે ઇંચ વરસાદ પડ્યો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની નાની-મોટી નદીઓ અને વહેળાઓમાં પાણી આવ્યાં
Gujarat Monsoon
ફાઇલ તસવીર
ગુજરાતમાં અષાઢ મહિનાની શરૂઆતથી વરસાદે જમાવટ કરી છે ત્યારે ગઈ કાલે મેઘરાજાએ અમરેલી અને વલસાડ જિલ્લા પર મહેર વરસાવી હતી. અમરેલી જિલ્લાના ખાંભામાં સાડાત્રણ ઇંચ, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ત્રણ ઇંચથી વધુ અને સુરતમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. રોજબરોજ વરસી રહેલો વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની નાની-મોટી નદીઓ અને વહેળાઓમાં નવા પાણી આવ્યાં છે.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે છ વાગ્યા સુધીમાં ૧૦૭ તાલુકામાં વરસાદ પડ્યો હતો. ૨૭ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતના અમરેલી, વલસાડ, નવસારી, સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, ભરૂચ સહિતના જિલ્લાઓમાં ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લાની ક્ષેત્રુંજય નદીમાં નવા પાણી આવ્યાં છે. અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં એકથી સાડાત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. જિલ્લાના ખાંભામાં સાડાત્રણ ઇંચ, સાવરકુંડલામાં ત્રણ ઇંચથી વધુ, ધારીમાં બે ઇંચથી વધુ, વડિયામાં બે ઇંચ જેટલો, બગસરામાં દોઢ ઇંચ, લાઠી અને રાજુલામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બીજી તરફ વલસાડ જિલ્લાના પારડીમાં સવાત્રણ ઇંચ, ઉમરગામમાં પોણાત્રણ ઇંચ જેટલો, વાપીમાં બે ઇંચથી વધુ, વલસાડમાં સવા ઇંચથી વધુ અને કપરાડમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
બીજી તરફ જૂનાગઢના વિસાવદર, સુરતના પલસાણા અને નવસારીના ખેરગામમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાત્રે આઠ વાગ્યા સુધીમાં વલસાડ જીલ્લાના ઉમરગામમાં સાડા ચાર ઇંચ તેમજ પારડી અને વાપીમાં ચાર ઇંચ વરસાદ પડયો છે.