સતત બે વખત ગુજરાતમાં લોકસભાની ૨૬માંથી ૨૬ બેઠકો જીતનાર BJPની હૅટ-ટ્રિક રોકી ગેનીબહેન ઠાકોરે અને બનાસકાંઠાના મતદારોએ : સતત ત્રણ વખત તમામ બેઠકો જીતવાનું BJPનું સપનું રોળાયું : ગુજરાતની ૨૬માંથી ૨૫ બેઠકો BJPએ જ્યારે ૧ બેઠક કૉન્ગ્રેસે મેળવી
ગુજરાતમાં બનાસકાંઠા લોકસભાની બેઠક જીતનારાં કૉન્ગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરને તેમના સમર્થકોએ વધાવી લીધાં હતાં.
ગુજરાતમાં સતત ત્રીજી વખત લોકસભાની તમામ ૨૬માંથી ૨૬ બેઠકો જીતવાનું ભારતીય જનતા પાર્ટી (BJP)નું સપનું આ વખતે રોળાયું છે. બનાસની બેન તરીકે ઓળખાતાં કૉન્ગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક જીતીને BJPના ગઢ ગુજરાતમાં ગાબડું પાડીને હૅટ-ટ્રિક પર બ્રેક મારી છે. જોકે ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકોની થયેલી ચૂંટણીમાં BJPએ ૨૪ બેઠકો પર અને કૉન્ગ્રેસે ૧ બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે સુરતની લોકસભા બેઠક પર BJPના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આમ ગુજરાતમાં ૨૬માંથી BJPએ પચીસ બેઠકો મેળવી છે, જ્યારે કૉન્ગ્રેસે એક બેઠક મેળવી છે.
ADVERTISEMENT
ગઈ કાલે ગાંધીનગરમાં વિજયી મુદ્રા દર્શાવતા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને અન્ય સિનિયર નેતાઓ.
ગુજરાતમાં પચીસ બેઠકો જીતવા છતાં પણ એક બેઠક ગુમાવતાં BJPમાં એનો રંજ જણાઈ આવ્યો હતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર કૉન્ગ્રેસનાં ગેનીબહેન ઠાકોરે તેમનાં પ્રતિસ્પર્ધી BJPનાં રેખાબહેન ચૌધરીને પરાજય આપ્યો છે. ગુજરાતમાં કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, પરષોત્તમ રૂપાલા, ડૉ. મનસુખ માંડવિયા અને દેવુ સિંહ ચૌહાણ જીત્યા છે. BJPએ ગુજરાતમાં પચીસ બેઠકો મેળવીને જંગી જીત મેળવી છે, પરંતુ રાજકોટમાં બનેલા અગ્નિકાંડની દુર્ઘટનાના પગલે BJPએ જીતની ઉજવણી કરી નહોતી.
અમિત શાહ અને સી. આર. પાટીલ સવાસાત લાખ કરતાં વધુ મતોથી જીત્યા
ગુજરાતમાં ગાંધીનગરના BJPના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમનાં કૉન્ગ્રેસનાં પ્રતિસ્પર્ધી સોનલ પટેલને ૭,૪૪,૭૧૬ મતોના માર્જિનથી હાર આપી હતી. અમિત શાહને ૧૦,૧૦,૯૭૨ મત મળ્યા હતા. બીજી તરફ નવસારી બેઠક પરથી BJPના ઉમેદવાર અને ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમના કૉન્ગ્રેસના પ્રતિસ્પર્ધી નૈષધ દેસાઈને ૭,૭૩,૫૫૧ મતોના માર્જિનથી હાર આપી હતી. સી. આર. પાટીલને ૧૦,૩૧,૦૬૫ મત મળ્યા હતા.
મનસુખ વસાવાએ સતત સાતમી વખત વિજય મેળવ્યો
ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડેલા BJPના ઉમેદવાર મનસુખ વસાવાએ સાતમી વખત વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં તેમને ૬,૦૮,૧૫૭ મત મળ્યા હતા અને તેમણે તેમના પ્રતિસ્પર્ધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સામે ૮૫,૬૯૬ મતોના માર્જિનથી જીત મેળવી હતી.
BJP તમામ બેઠકો પર પાંચ લાખની લીડ મેળવી ન શકી
ગુજરાતમાં સતત ત્રીજી વાર જીત માટે કમર કસનાર BJP ગુજરાતે આ વખતે તમામ બેઠકો પર પાંચ લાખથી વધુ મતોથી જીત મેળવવાનો લક્ષ્યાંક ગુજરાત BJPના અધ્યક્ષ સી. આર. પાટીલે સૌ કાર્યકર્તાઓને આપ્યો હતો અને એના માટે મહેનત પણ કરવામાં આવી હતી, પરંતુ તમામ બેઠકો પાંચ લાખ મતોથી જીતવાનો લક્ષ્યાંક પૂરો થઈ શક્યો નથી. જોકે સી. આર. પાટીલ અને અમિત શાહે સાત લાખથી વધુની લીડ મેળવી છે, પરંતુ તમામ બેઠકો પર પાંચ લાખની લીડ મળી નથી.

