અંગ દઝાડતી ગરમીથી ગુજરાતમાં નાગરિકો પરેશાન, પણ માવઠાના વાવડથી હૈયે ઠંડક પ્રસરી: ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા : કાળઝાળ ગરમીમાં અમદાવાદ શેકાયું, સૌથી વધુ ૪૩.૬ ડિગ્રી તાપમાન રાજકોટમાં
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી નાગરિકો પરેશાનીમાં મુકાઈ ગયા છે ત્યારે આવતી કાલથી પાંચ દિવસ સુધી ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ ગઈ કાલે કાળઝાળ ગરમીમાં અમદાવાદના રહીશો રીતસરના શેકાઈ ગયા હતા અને ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર નીકળવું કઠિન થઈ પડ્યું હતું. બપોરે ફૂંકાયેલા ગરમ પવનથી વાહનચાલકો અને રાહદારીઓ હેરાન થઈ ગયા હતા.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અંગ દઝાડતી ગરમીથી નાગરિકો ભારે પરેશાની વેઠી રહ્યા છે અને આજે પણ ગુજરાતમાં વિવિધ સ્થળોએ ૪૦થી ૪૪ ડિગ્રી સુધીનું તાપમાન રહેશે, પરંતુ ત્યાર બાદ પાંચ દિવસ માવઠું થવાના વાવડથી નાગરિકોના હૈયે ઠંડક થઈ છે. જોકે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આવતી કાલે પ્રતિ કલાક ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં તેમ જ કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ગઈ કાલે સૌથી વધુ ૪૩.૬ ડિગ્રી તાપમાન રાજકોટમાં હતું; જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર અને કંડલા ઍરપોર્ટમાં ૪૩.૫, ગાંધીનગરમાં ૪૩, ડીસા અને અમરેલીમાં ૪૨.૮, વલ્લભવિદ્યાનગરમાં ૪૧.૨, ભુજમાં ૪૧, વડોદરામાં ૪૦.૬ અને કેશોદમાં ૪૦.૩ ડિગ્રી મહત્તમ તાપમાન હતું.


