આમ આદમી પાર્ટી બાદ ગુજરાતમાં કૉન્ગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ચૂંટણી માટે ખેડૂતો–પશુપાલકો માટેના સંકલ્પપત્રની જાહેરાત કરી

પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી બાદ હવે ગુજરાત કૉન્ગ્રેસે પણ એના ચૂંટણી-ઢંઢેરાની ગઈ કાલે જાહેરાત કરી હતી. આ ચૂંટણી-ઢંઢેરામાં હાલ ખેડૂતો–પશુપાલકો માટેના સંકલ્પપત્રની ઘોષણા કરતાં ગુજરાતના ખેડૂતોના ત્રણ લાખ રૂપિયા સુધીનાં દેવાં માફ કરવાની જાહેરાત કૉન્ગ્રેસે કરી હતી.
ગુજરાતમાં વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણી માટે ખેડૂતો–પશુપાલકો માટેના સંકલ્પપત્રની ગઈ કાલે જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ૨૦૨૨ પછી બનનારી કૉન્ગ્રેસ પક્ષની સરકાર ખેડૂતોનાં ૩ લાખ રૂપિયા સુધીનાં તમામ દેવાં માફ કરશે, પશુપાલકોને એક લિટર દૂધદીઠ રૂપિયા પાંચ સબસીડી આપશે, ખેત વીજ-જોડાણની વીજળી ફ્રી કરાશે તથા દિવસના ભાગે દસ કલાક વીજળી અપાશે. વીજ ચોરીના કેસો પાછા ખેંચાશે, નવી જમીન માપણી રદ કરી નવેસરથી માપણી કરાશે. તમામ મોટાં ગામોમાં કૃષિ સહાયક કેન્દ્રો શરૂ કરાશે, ખેત ઉત્પાદનને ટેકાના ભાવથી નીચેની ખરીદી ઉપર પ્રતિબંધ મુકાશે અને ખરીદી ઉપર બોનસ અપાશે. કૅનલ સિંચાઈના દરોમાં ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે.