બીજેપીના વાઘોડિયાના દબંગ વિધાનસભ્ય મધુ શ્રીવાસ્તવ, કૉન્ગ્રેસમાં કોડીનારના વિધાનસભ્ય મોહન વાળા અને દ્વારકાથી પાલ આંબલિયાએ ટિકિટ કપાતાં તેમની પાર્ટીના નેતૃત્વ સમક્ષ નારાજગી વ્યક્ત કરી
વાઘોડિયાના બીજેપીના વિધાનસભ્ય મધુ શ્રીવાસ્તવે ગઈ કાલે તેમના મતવિસ્તારમાં નાનકડી સભા યોજી હતી અને અપેક્ષા અનુસાર રાજીનામાની જાહેરાત કરી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો તેમના ઉમેદવારોનાં નામ જાહેર કરી રહ્યા છે ત્યારે ટિકિટની ફાળવણી અને ઉમેદવારોના મુદ્દે બીજેપી, કૉન્ગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં કકળાટ યથાવત્ રહેવા પામ્યો છે અને ઊકળતા ચરુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વાઘોડિયા બેઠક પરથી ટિકિટ નહીં મળતાં બીજેપીના વિધાનસભ્ય મધુ શ્રીવાસ્તવે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને અપક્ષ તરીકે ચૂંટણી લડવાના મૂડમાં છે.
વાઘોડિયા બેઠક પરથી આ વખતે બીજેપીએ તેના દબંગ વિધાનસભ્ય તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ફાળવી નથી, જેના કારણે તેઓએ ગઈ કાલે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. તેમના મત વિસ્તારમાં નાનકડી સભા યોજી હતી અને રાજીનામાની જાહેરાત તેઓએ કરી હતી. મધુ શ્રીવાસ્તવે સભામાં એમ પણ કહ્યું હતું કે ‘અમિત શાહ સાથે મારે ફોન પર વાત થઈ હતી અને થોડી રાહ જોવા કહ્યું હતું, પણ હવે હું રાજીનામું આપું છું.’
ADVERTISEMENT
વાઘોડિયા બેઠક ઉપરાંત સુરતમાં ચોર્યાસી બેઠક પર પણ સતત બીજા દિવસે કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો. ચોર્યાસી બેઠક માટે બીજેપીએ જાહેર કરેલા ઉમેદવારના ચોકડી મારેલા ફોટો સાથે બીજેપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને એક લાખથી વધુ મતોથી જીતેલાં ઝંખના પટેલના સમર્થનમાં દેખાવો કર્યા હતા. પાદરા, કરજણ, વિજાપુર, વિસનગર સહિતની બેઠકો પર બીજેપીના કાર્યકરો તેમ જ આગેવાનો ઉમેદવારોની પસંદગીને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
બીજી તરફ કૉન્ગ્રેસમાં કોડીનારના વિધાનસભ્ય મોહન વાળાની ટિકિટ કપાતાં તેઓએ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત બોટાદમાં કૉન્ગ્રેસના મનહર પટેલ અને દ્વારકાથી પાલ આંબલિયાને પણ ટિકિટ નહીં મળતાં તેઓ નારાજ છે. જોકે, નારાજગી વ્યક્ત કરી હોવાથી રાત્રે કૉન્ગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં બોટાદ બેઠક પર ઉમેદવાર બદલીને નારાજ મનહર પટેલને ઉમેદવાર જાહેર કરીને તેમને મનાવી લીધા છે.
સુરતની ઉધના બેઠક પરના કૉન્ગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપૂત સામે પણ કાર્યકરોએ વિરોધ કર્યો છે તો વલસાડ બેઠક પર પણ કૉન્ગ્રેસના આગેવાન તેમ જ કાર્યકરોએ ઉમેદવાર સામે વિરોધ નોંધાવ્યો છે. કલ્પેશ પટેલે આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે મન મનાવી લીધું છે.
ઊલટો કેસ, ટિકિટ મળી તો બીજેપીને કહ્યું, મારે ચૂંટણી નથી લડવી
એક તરફ બીજેપીમાં ટિકિટ નહીં મળતાં કેટલાય નેતાઓ અને કાર્યકરો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે વઢવાણ બેઠક પરના બીજેપીએ જાહેર કરેલાં ઉમેદવાર જિજ્ઞા પંડ્યાએ ચૂંટણી નહીં લડવા પાર્ટીને કરી જાણ ને અન્ય કોઈ કાર્યકરને ટિકિટ આપવા માટે રજૂઆત કરીને કકળાટ કરતા કાર્યકરોને શિસ્તનો સંદેશ આપ્યો છે. જિજ્ઞા પંડ્યાએ પક્ષને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ‘છેલ્લાં ૨૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કાર્ય કરું છું. મને વઢવાણ વિધાનસભાના ઉમેદવાર તરીકે યોગ્ય સમજી એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અને જીવનભર ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાની છું. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાને મારા બદલે બીજા કોઈ કાર્યકરને વઢવાણ વિધાનસભાની ઉમેદવારી કરવાની તક આપો એવી હું વિનંતી કરું છું.’

