અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાનમથકમાં મતદાન કરવા માટે અન્ય મતદારોની સાથે લાઇનમાં ઊભા રહ્યા નરેન્દ્ર મોદી : મતદાન કર્યા બાદ ચાલતાં-ચાલતાં ભાઈના ઘરે ગયા : મોદીની ઝલક મેળવવા રાણીપમાં કાર્યકરો અને નાગરિકો ઊમટ્યા

અમદાવાદમાં રાણીપ વિસ્તારની સ્કૂલમાં મતદાન માટેની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં ગઈ કાલે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં એક આમ આદમીની જેમ મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.
ગઈ કાલે સવારે સવાનવ વાગ્યે નરેન્દ્ર મોદી રાણીપ વિસ્તારમાં મતદાન કરવા આવ્યા હતા. સામાન્ય રીતે તેમનો કાફલો મતદાનમથક પાસે ઊભો રહે છે અને કારમાંથી ઊતરીને તેઓ મતદાન કરવા જતા હોય છે, પરંતુ ગઈ કાલે તેઓ મતદાનમથકથી લગભગ ૨૦૦–૩૦૦ મીટર દૂર કારમાંથી ઊતરીને ચાલતા-ચાલતા મતદાનમથક પર પહોંચ્યા હતા. અહીં તેઓ અન્ય મતદારોની સાથે લાઇનમાં ઊભા રહ્યા હતા અને જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે મતદાન કર્યું હતું. મતદાન કરીને બહાર નીકળ્યા બાદ નજીકમાં આવેલી સોસાયટીમાં રહેતા તેમના ભાઈ સોમભાઈ મોદીના ઘરે ચાલતાં-ચાલતાં મળવા ગયા હતા. ભાઈને ત્યાં થોડી વાર બેસીને તેઓ તેમના કાફલો સાથે રવાના થયા હતા.
નરેન્દ્ર મોદી મતદાન કરવા આવવાના હોવાથી રાણીપમાં બીજેપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવ્યા હતા તેમ જ સ્થાનિક રહીશો સ્કૂલની આસપાસ તેમની ઝલક મેળવવા ઊમટ્યા હતા.