Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > તમે માત્ર મતદાર છો કે નાગરિક...? આ સવાલ મનને જરૂર પૂછો

તમે માત્ર મતદાર છો કે નાગરિક...? આ સવાલ મનને જરૂર પૂછો

29 November, 2022 02:43 PM IST | Mumbai
Nirali Kalani | nirali.kalani@mid-day.com

રાજ્યમાં કે દેશમાં જયાં જુઓ ત્યાં મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય લક્ષી સેવા, વાહન વ્યવહાર સંબંધિત પ્રશ્નો અને બેરોજગારીની અહીં નોંધ આપી છે, બાકી આ ઉપરાંત પણ નાની-મોટી ઘણી મુશ્કેલી ચોતરફ દેખાય છે.

જાગો નાગરિક જાગો (તસવીર: ગુજરાતી મિડ-ડે)

જાગો નાગરિક જાગો (તસવીર: ગુજરાતી મિડ-ડે)


લાખોના ખર્ચે થતી રેલીઓ, હજારોનું પાણી કરી યોજાતી સભાઓ, ગાઢ નિંદ્રામાંથી પણ લોકો માત્ર મત પુરતાં જાગી જાય એવા હુંકારભર્યા ભાષણો અને હ્રદય સોંસરવા ઉતરી જાય એવા ભાષણના શબ્દો... આ બધું મતદારો માટે થાય છે, નહીં કે નાગરિક માટે. ગરજે ગધેડાને પણ બાપ બનાવવો પડે એ નીતિને અનુસરતા જાગેલા રાજકારણીઓ સુતેલા મતદારોને જગાડવા અને રિઝવવા ચૂંટણીના સમયે એનું કામ કરીને જતા રહે છે. અને મતદારો જાગી પણ જાય છે. પરંતુ શું આપણામાં રહેલો એક નાગરિક જાગે છે ખરો? જો રાજનેતાઓમાં ચૂંટણી સમયે મતદારોને જગાડવાની તાકત છે, તો પછી આપણમાં રહેલી નાગરિકતાની તાકાત ક્યાં ગઈ? ક્યાં ગઈ એ શક્તિ જેને આપણે બહાર કાઢી `વિવિધતાં માં એકતા`ના મંત્રને ખરા અર્થમાં સાબિત કરી શકીએ. રાજકારણીઓ કરતાં તો વધુ શક્તિશાળી આપણે કહેવાય કારણ કે આપણા દ્વારા જ તો એ સત્તાને વરે છે. 

LRD ભરતી પ્રકરણ હોય પેપર લીક હોય કે પછી ખેડૂત આંદોલન હોય કે આશાવર્કર બહેનોની પગાર માટેની લડાઈ હોય, આ બધા કેસોમાં કેમ માત્ર અમુક લોકો જ પોતાના હક માટે લડે છે. આપણે LRD વિવાદની વાત કરીએ તો, જે વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં ધરણાં ધર્યા એ સિવાયના પણ ઘણાં વિદ્યાર્થીઓને આ મુદ્દા સાથે સંબંધ હશે, તેમ છતાં તે લડાઈમાં તેમનો ફાળો નહીં હોય એવું બની શકે. એવી જ રીતે પગાર માટે સતત લડાઈ કરતી આશા વર્કર બહેનોમાં પણ એવું જ કે તમામને પોતાનો હક જોઈતો હશે પરંતુ યોગદાન આપવામાં શૂન્ય. જ્યારે જ્યારે આપણા હક માટે લડાઈની વાત આવે ત્યારે ખરેખર એક નાગરિક તરીકે આપણે બધાએ જાગવાની જરૂર નથી? સંયુક્ત થઈ એકતાની તાકાત બતાવવાની જરૂર નથી? અહીં સરકાર વિરુદ્ધ લડવા માટે ઉશ્કેરવાની વાત નથી, પણ આપણા હક માટે જ્યારે લડાઈ થાય ત્યારે બધાએ જાગી સંયુક્ત થવાની વાત છે. જો આવું કરીએ તો બની શકે કે એક દિવસ આંદોલન કરવાની પણ જરૂર ના પડે. સરકાર આવશે અને જશે એ એનું કામ એની રીતે કરતી રહેશે. પરંતુ જે તે સરકારની સત્તા દરમિયાન આપણે નાગિરક તરીકે શું ભૂમિકા નિભાવવી એ આપણે નક્કી કરી શકીએ છીએ.આપણે મતદાર તો બનવાનું જ છે, પરંતુ સાથે સાથે એક નાગરિક બનવા પર પણ ભાર આપવાનો છે.  આ સંદર્ભે નિવૃત્ત નેવી ઓફિસર મનન ભટ્ટે વાત કરતાં જણાવ્યું, " જ્યારે રાજાઓ રાજ કરતાં કે પછી અંગ્રેજો સત્તા ચલાવતાં જનતાનો એક વર્ગ એવો રહ્યો છે, જેનો અવાજ ક્યારેય ઉઠ્યો નથી. આઝાદી સમયે ઘણા લોકોના દેશદાઝ જાગી હતી પણ કેટલાક લોકોમાં આ આગ ઓછી જોવા મળી. ભૂતકાળમાં પણ અનેક આંદોલન થયા છે. ઈતિહાસ સાક્ષી છે કે કેટલાક લોકો જનતાના દિલમાં જુસ્સાનું બી રોપી શક્યા હતા, પરંતુ જો જનતા સામેથી જ આ તરફ ડગલું માંડવું જોઈએ. વાતને આગળ ધપાવતાં તેમણે કહ્યું કે ઘણીવાર સ્થિતિ એવી હોય છે કે એક વ્યકિતનું મોત ચર્ચાનો વિષય બની જાય અને બસો લોકોના મોતની ઘટના માળિયા પર ચઢી જાય. 


એકતા એટલે યુનિટી, યુનિટીના રસ્તે ચાલવામાં સરદાર વલ્લભભાઈ પટેલ કરતા બીજુ વધારે કોણ મદદગાર થઈ શકે! રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા લોખંડી પુરૂષના વિચારોને ખરેખર નાગરિક તરીકે જીવનમાં ઉતારવા જેવા છે. યુનિટી વિશે વાત કરતાં મનન ભટ્ટે કહ્યું કે સમાજે `મારે શું` ની વિચારધારા છોડી સંયુક્ત રીતે આગળ વધવું જોઈએ. સમાજમાં સાચી દિશામાં એક હાથ ઉઠતાં જ હજારો હાથ ઉઠવા જોઈએ. જે કામ એક હાથ ન કરી શકે તે હજારો હાથ નિશ્ચિતરૂપે કરી શકે છે. એક એવો સમય લાવીએ જ્યાં આપણે નાના મુદ્દાઓ માટે નાના જૂથ બનાવી લડવા કરતાં શિક્ષણ અને રોજગારી જેવા મુદ્દાઓ પર સંયુક્ત થઈ એકરૂપ થઈ અવાજનો પડઘો પાડીએ, ચાલો એક એવી ગર્જના કરીએ જેનાથી ભ્રષ્ટાચારનો ભ હંમેશા માટે ભૂંસાઈ જાય.

આવો સમય લાવવાની તાકાત ભલે સરકારમાં ન હોય પણ આપણામાં છે. આપણામાં તાકાત છે કે આપણે માત્ર મતદાર ન બનતાં સભાન નાગરિક બનીએ, આપણામાં પણ તાકાત છે હક માટે ઉઠતાં મુદ્દા સામે લડીએ, આપણામાં પણ તાકાત છે કે આપણે બધા જ નાગરિકો એક થઈ આપણા હક અને અધિકારો માટે અવાજ ઉઠાવીએ,  માત્ર ચૂંટણી સમયે પ્રજાનું ધ્યાન રાખતી સરકારને જ્યાં સુધી સત્તામાં રહે ત્યાં સુધી જનતાના પ્રશ્નોનું નિરાકણ લાવવા મજબુર કરવાની તાકાત છે આપણામાં, આપણી પાસે છે તાકાત કે આપણે ખરેખર `અચ્છે દિન` લાવીએ.


રાજ્યમાં કે દેશમાં જયાં જુઓ ત્યાં મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય લક્ષી સેવા, વાહન વ્યવહાર સંબંધિત પ્રશ્નો અને બેરોજગારીની અહીં નોંધ આપી છે, બાકી આ ઉપરાંત પણ નાની-મોટી ઘણી મુશ્કેલી ચોતરફ દેખાય છે. કદાચ આપણે આ સમસ્યા નામનો શબ્દ હંમેશા માટે ન નાશ કરી શકીએ પરંતુ આ ભારે શબ્દને હળવો જરૂર કરી શકીએ.

`આંખ આડા કાન કરવા` આ કહેવતનો આપણે બહુ જ વાર ઉપયોગ કરીએ છીએ. ક્યાંક જનતા તરીકે આપણને પણ આ લાગુ નથી પડતું ? 

 

 

 

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 02:43 PM IST | Mumbai | Nirali Kalani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK