પોતાના કાકાનું મૃત્યુ થયું હોવા છતાં રાજકોટમાં બેસણામાં હાજરી આપીને રવિવારે રાતે એક વાગ્યે અમદાવાદ આવીને ૮૦ ટકા ડિસેબલ સેરિબ્રલ પૉલ્ઝી ગ્રસ્ત જય ગાંગડિયાએ ગઈ કાલે સવારે મતદાન કર્યું

અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં મતદાનમથકમાં વોટિંગ કરીને બહાર આવેલા જય ગાંગડિયા અને મહેશ ગાંગડિયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં ગઈ કાલે અમદાવાદમાં રહેતા અને ૮૦ ટકા ડિસેબલ ૨૪ વર્ષના યુવાન જય મહેશ ગાંગડિયાએ અપાર તકલીફો વચ્ચે વોટ આપવા માટે રાતે રાજકોટથી અમદાવાદ પાછા ફરીને મતદાન કરીને મતદાન કરવા નહીં જતા મતદારોને એક મેસેજ આપ્યો છે.
પોતાના કાકાનું મૃત્યુ થયું હોવા છતાં રાજકોટમાં બેસણામાં હાજરી આપીને રવિવારે રાતે એક વાગ્યે અમદાવાદ આવીને ૮૦ ટકા ડિસેબલ સેરિબ્રલ પૉલ્ઝી ગ્રસ્ત જય ગાંગડિયાએ ગઈ કાલે સવારે મતદાન કરવા ઘાટલોડિયા ગામમાં આવેલા મતદાનમથકમાં વ્હીલચૅરમાં બેસીને પહોંચી ગયો હતો અને ઉત્સાહભેર વોટ આપીને ખુશ થયો હતો. વોટિંગ કર્યા પછી તેણે જુદાં-જુદાં વૉટ્સઍપ ગ્રુપમાં મેસેજ કર્યો કે ‘તમે મતદાન કર્યું? મેં કરી દીધું છે, મતદાન અવશ્ય કરશોજી.’
મતદાન કર્યા પછી ઉત્સાહથી છલકાતા જય ગાંગડિયાએ ‘મિડ-ડે’ને તેની ભાંગીતૂટી ભાષામાં કહ્યું હતું કે ‘મારે વોટિંગ કરવું હતું એટલે અહીં આવી ગયો. મેં મારો વોટ આપ્યો છે. હું પહેલાં પણ વોટ આપવા ગયો હતો અને બધા મતદારોને પણ કહું છું કે તમે પણ તમારો વોટ આપો.’
જયના ફાધર મહેશ ગાંગડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા કઝીનનું મૃત્યુ થતાં અમે રાજકોટ ગયા હતા અને ત્યાંથી રાતે અમદાવાદ આવી ગયા હતા. જયને મતદાન કરવાનો ઉત્સાહ હતો અને વોટિંગ કર્યા પછી અમારાં જુદાં-જુદાં ગ્રુપમાં તેણે મેસેજ મોકલ્યો હતો કે તમે મતદાન કર્યું, મેં કરી દીધું છે. આ તેનું પહેલી વારનું વોટિંગ નથી. આ પહેલાં લોકસભા, વિધાનસભા તેમ જ કૉર્પોરેશનની ચૂંટણીમાં પણ તેણે વોટિંગ કર્યું છે. તેને મતદાન કરવાનો ઉત્સાહ હોવાથી મને પહેલાંથી જ કહી દીધું હતું કે મારે વોટિંગ કરવા જવાનું છે. રાજકોટમાં રોકાઈ જવા માટે ફૅમિલી સભ્યોએ કહ્યું હતું, પરંતુ જયે કહ્યું કે મારે વોટિંગ કરવા જવાનું છે અને તે ૮૦ ટકા ડિસેબલ છે, સેરિબ્રલ પૉલ્ઝી છે. તેને વ્હીલચૅરમાં બેસાડીને મતદાન કરવા લઈ ગયો હતો. મતદાન કર્યા પછી તે ખુશ થઈ ગયો હતો.’
તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘તે ત્રણ દિવસનો હતો અને તેને જૉન્ડિસ થયો ને એ પછી તેને આ પ્રૉબ્લેમ થયો છે અને તે ૮૦ ટકા ડિસેબલ છે. તેણે ધોરણ પાંચ સુધી નૉર્મલ સ્કૂલમાં અને એ પછી સ્પેશ્યલ સ્કૂલમાં ચાર વર્ષ અભ્યાસ કર્યો છે. કમ્પ્યુટર વર્ક કરી શકે છે તેમ જ તે સારો આર્ટિસ્ટ છે. તેણે અત્યાર સુધી ૩૦૦ પેઇન્ટિંગ બનાવ્યાં છે અને અત્યાર સુધી તેના મુંબઈ સહિતનાં સ્થળોએ પેઇન્ટિંગનાં ૧૨ પ્રદર્શન પણ થયાં છે. ગુજરાતના રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનને તેણે પેઇન્ટિંગ ગિફ્ટ કર્યાં છે અને તેની એક ઇચ્છા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પેઇન્ટિંગ ગિફ્ટ કરવું છે.’