ધોલેરા–વટામણ હાઇવે પર વીજ વાયર તૂટી પડ્યા, સોયલા ગામ અને નળ સરોવર રોડ પર વૃક્ષ ધરાશાયી
અમદાવાદ જિલ્લાના ધોલેરા-વટામણ હાઇવે પર ગઈ કાલે બપોરે વીજળીનો હાઇટેન્શન વાયર તૂટી પડ્યો હતો, જેને હટાવવાની કામગીરી તંત્રના માણસોએ કરી હતી.
તાઉ-તે વાવાઝોડાએ ગઈ કાલે અમદાવાદ જિલ્લાને અસર કરી હતી. ભારે પવનના કારણે અમદાવાદ જિલ્લામાં આવેલા ધોલેરા–વટામણ હાઇવે પર વીજ વાયર તૂટી પડતાં હાઇવે પર ટ્રાફિક જૅમ થયો હતો તો સોયલા ગામ અને નળ સરોવર રોડ પર વૃક્ષો ધરાશાયી થતાં રસ્તો બ્લૉક થયો હતો. જોકે તંત્રની ટીમે દોડી આવીને હાઇવે પરનો માર્ગ ખુલ્લો કર્યો હતો.
તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ આગળ વધીને ગઈ કાલે અમદાવાદ જિલ્લાને અસર કરી હતી. જિલ્લાના ધોલેરા, ધંધુકા, બાવળા અને માંડલ વિસ્તારમાં વાવાઝોડાની અસર વર્તાઈ હતી. અમદાવાદ જિલ્લાના ધોલેરા-વટામણ હાઇવે પર પીપળી ગામ નજીક ગઈ કાલે બપોરે વીજળીનો હાઇટેન્શન વાયર તૂટી પડ્યો હતો, જેના કારણે હાઇવે બ્લૉક થઈ ગયો હતો. વીજળીનો વાયર તૂટી પડવાનો મેસેજ ધોલેરા તાલુકા મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૂમને મળતાં ધોલેરા તંત્રની ટીમ હાઇવે પર પહોંચી ગઈ હતી અને વીજળીના તારની અડચણ દૂર કરીને હાઇવે ખુલ્લો કર્યો હતો. અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકાના સોયલા ગામ અને વિશ્વ પ્રસિદ્ધ નળ સરોવર રોડ પર વૃક્ષો ધરાશાયી થયાં હતાં. જોકે તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વૃક્ષો હટાવવાની કામગીરી કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો. અમદાવાદ જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે ‘ધોલેરા, ધંધુકા, સાણંદ, વિરમગામ, બાવળા, દસક્રોઈ અને ધોળતા તાલુકાના સંભવિત અસરગ્રસ્ત ગામોના ૪૬૫૪ નાગરિકોને સુરક્ષિત રીતે ૩૨૧ આશ્રય સ્થાનોમાં સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.

