ગણેશોત્સવ માટે અમદાવાદના પોલીસ-કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, અમલ આજથી શરૂ
તસવીર સૌજન્ય : એએનઆઇ
૭ સપ્ટેમ્બરથી ગણેશોત્સવ પર્વ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે કાયદો અને વ્યવસ્થાને લઈને અમદાવાદમાં પોલીસે ગણેશજીની નવ ફુટથી ઊંચી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
અમદાવાદ શહેર પોલીસ-કમિશનર જી. એસ. મલિકે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યું છે કે ગણેશજીની બેઠક સહિતની માટીની મૂર્તિ ૯ ફુટ કરતાં વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ પર પરિવહન કરવા પર તેમ જ ગણેશજી પ્લાસ્ટર ઑફ પૅરિસની (PoP)ની મૂર્તિઓ બેઠક સહિત પાંચ ફુટથી વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ પર પરિવહન કરવા અને નદી, તળાવ સહિત કુદરતી જળસ્રોતમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે એવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ આજથી ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી છે.

