શ્રમિક પરિવારની માસૂમ દીકરી સાથે મધરાતે બની આ ઘટના, બાળકી લોહીલુહાણ થતાં સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાઈ, આરોપીને પોલીસે ઝડપી લીધો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દક્ષિણ ગુજરાતના વડા મથક સુરતમાં આવેલા ઇચ્છાપોર વિસ્તારમાં બુધવારે મોડી રાતે શ્રમિક પરિવારની ચાર વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મની હેવાનિયતની હદ વટાવતી ઘટના બની હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઇચ્છાપોર પોલીસે આરોપી અજયરાય ઝુરારાયને શોધીને ઝડપી લીધો હતો.
મૂળ બિહારનો આરોપી અજયરાય ઝુરારાય અને બાળકીનો પરિવાર ઇચ્છાપોર વિસ્તારમાં આસપાસમાં રહેતા હતા અને એકબીજાને જાણતા હતા. આરોપી પાસેથી પોલીસને મળેલી પ્રાથમિક વિગતો મુજબ ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા જે. ડી. ટેક્સટાઇલ્સ સામે બુધવારે રાત્રે ૧૧ વાગ્યાના સુમારે આરોપી અજયરાય ઝુરારાય બાળકીને તેના ઘરેથી ૫૦૦ મીટર દૂર અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને તેના કપાળ તેમ જ મોઢાના ભાગે ઈજાઓ કરી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમ્યાન છોકરી જોર-જોરથી રડવા લાગતાં બાજુમાં કૂતરા ભસવા લાગતાં આરોપીએ ભોગ બનનાર બાળકીને રસ્તા પર છોડી મૂકીને નાસી ગયો હતો અને તેના રૂમ પર આવીને સૂઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને સીસીટીવી ચેક કરીને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગઈ કાલે સી. આર. સાયન્સ પાર્ક પાસેથી આરોપીને ઝડપી લીધો હતો.
શ્રમિક પરિવારની માસૂમ દીકરી સાથે મધરાતે બનેલી ઘટનામાં બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવતાં તેના પરિવારના સભ્યો હેબતાઈ ગયા હતા અને તેને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાઈ હતી.


