કાટમાળમાંથી એક મૃતદેહ મળ્યો, એક મહિલા સહિત બે વ્યક્તિને રેસ્ક્યુ કરીને બચાવી લેવાઈ: હજી કેટલાક લોકો દટાયા હોવાની આશંકા
બિલ્ડિંગ ધરાશાયી થયું
દક્ષિણ ગુજરાતના વડા મથક સુરતમાં સચિન નજીક આવેલા પાલી ગામમાં ગઈ કાલે પાંચ માળનું એક બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસ સહિત મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. કાટમાળમાંથી એક મૃતદેહ મળ્યો હતો તથા એક મહિલા સહિત બે વ્યક્તિને રેસ્ક્યુ કરી બચાવી લેવાયાં છે, જ્યારે કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. રેસ્ક્યુ કામગીરી માટે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની મદદ પણ લેવામાં આવી છે.
રાહતની વાત એ હતી કે પાંચ માળના આ બિલ્ડિંગમાં કુલ ૨૦થી ૨૫ લોકો જ રહેતા હતા જેમાંથી ઘણા લોકો કામધંધા અર્થે બહાર હતા. જોકે કાટમાળ નીચેથી અમુક વ્યક્તિઓનો અવાજ આવતો હોવાથી કૅમેરા નીચે ઉતારીને તેમને બચાવી લેવા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

