પુસ્તક કે નોટબુકનાં પેજને ડ્રગ્સમાં પલાળી એને સૂકવીને ડ્રગ્સ મોકલવાની ડ્રગ્સ-માફિયાઓની નવી મોડસ ઑપરૅન્ડીનો અમદાવાદ સાઇબર ક્રાઇમ અને કસ્ટમ્સ વિભાગે કર્યો પર્દાફાશ : ૨૦ પૅકેટ કબજે કર્યાં : અમેરિકા, કૅનેડા અને થાઇલૅન્ડથી એક-એક પૅકેટ આવ્યું હતું
પુસ્તકનાં પેજ પર અને રમકડાંમાં મોકલાવેલું ૪૮ લાખ રૂપિયાથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદઃ પુસ્તક કે નોટબુકનાં પાનાંને ડ્રગ્સમાં પલાળીને એને સૂકવીને ડ્રગ્સ મોકલવાની ડ્રગ્સ-માફિયાઓની નવી મોડસ ઑપરૅન્ડીનો અમદાવાદ સાઇબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગે પર્દાફાશ કર્યો છે અને અમદાવાદમાં આવેલી ફૉરેન પોસ્ટ ઑફિસમાં અમેરિકા, કૅનેડા અને થાઇલૅન્ડથી પુસ્તકના પેજ પર અને રમકડાંમાં મોકલાવેલું ૪૮ લાખથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું છે. આ કેસમાં કેટલાક રિસિવરોની ઓળખ કરાઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે.
સાઇબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-અધિકારી નીરજ બડગુજરે પકડાયેલા ડ્રગ્સની માહિતી આપતાં મીડિયાને કહ્યું હતું કે ‘અમને ખબર પડી હતી કે અમદાવાદની ફૉરેન પોસ્ટ ઑફિસમાં શંકાસ્પદ કુરિયર અને પૅકેટ છે. તપાસ કરતાં જુદાં-જુદાં ૨૦ પૅકેટ મળ્યાં છે, જેમાં વધારે અમેરિકાથી આવેલાં છે. એક પૅકેટ થાઇલૅન્ડ અને એક પૅકેટ કૅનેડાથી મોકલાયું છે. સાઇબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમ જ કસ્ટમ વિભાગે આ પૅકેટો કબજે કર્યાં છે. પાર્સલ ચેક કરતાં એમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. પાર્સલમાં જુદાં-જુદાં રમકડાં તેમ જ નોટપેડ, ચોપડીમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. પૅકેટ ખોટા સરનામા પર આવે છે અને વચ્ચેથી કલેક્ટ કરવા માટે જુદી-જુદી ટેક્નિક યુઝ કરે છે.’
ADVERTISEMENT
ડાર્ક વેબ અને અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને ગ્રાહકો શોધીને ડ્રગ્સ મોકલાતું હતું. ડ્રગ્સને લિક્વિડ ફૉર્મમાં ફેરવીને પુસ્તકના પેજને એમાં પલાળી દઈને પછીથી એને સૂકવી દેવામાં આવે જેથી પ્રથમ દૃષ્ટિએ કોઈને ખબર જ ન પડે કે આ પુસ્તકના પેજ પર ડ્રગ્સ લગાવેલું છે.