સવારે લોકોનાં ઘરે કામ અને સાંજે ફુટબૉલ ટ્રેઇનિંગ, હવે આ ગુજરાતણ રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડશે : ભારતની અન્ડર -17 ટીમમાં સ્થાન
ખુશ્બૂ ગુજરાત કી
અમદાવાદ : ‘કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી...’ આ કહેવતને અમદાવાદની ૧૬ વર્ષની દીકરી ખુશ્બૂએ સાર્થક કરી બતાવી છે. એક ગરીબ ઘરમાંથી આવનારી દીકરી હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. એએફસી (એશિયન ફુટબૉલ કૉન્ફેડરેશન) અન્ડર-17 મહિલા ચૅમ્પિયનશિપની ક્વૉલિફાયર રાઉન્ડ-2 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એકમાત્ર ગુજરાતી તરીકે ખુશ્બૂ સરોજની પસંદગી કરવામાં આવી છે. મોટા ભાગે રાષ્ટ્રીય ટીમમાં મણિપુર અને ઓડિશાની મહિલા ફુટબૉલર્સનો દબદબો વધુ હોય છે ત્યારે તેમની વચ્ચે ગુજરાતની દીકરીએ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે પ્રવેશ મેળવતાં રાજ્યની અન્ય દીકરીઓને ફુટબૉલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરણા મળી છે. ખુશ્બૂ હવે ૧૯થી ૨૪ સપ્ટેમ્બર દરમ્યાન થાઇલૅન્ડમાં એએફસી અન્ડર-17 મહિલા ચૅમ્પિયનશિપના ક્વૉલિફાયર રાઉન્ડ-2માં ભાગ લેવા રવાના થશે.
ગુજરાતની સૌથી નાની ઉંમરની મહિલા ફુટબૉલર બની
ખુશ્બૂ સરોજની વાત કરીએ તો ગયા વર્ષે ગુજરાતમાં રમાયેલી ૩૬મી નૅશનલ ગેમ્સમાં પણ મહિલા ફુટબૉલર તરીકે ચર્ચાનો વિષય બની હતી. તે નૅશનલ ગેમ્સમાં ગુજરાતની મહિલા ટીમ તરફથી સૌથી નાની ઉંમરે રમનાર પ્રથમ યુવા મહિલા ફુટબૉલર બની હતી. ખુશ્બૂને આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે તેનાં મમ્મી-પપ્પાએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. બીજાના ઘરે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં ખુશ્બૂનાં મમ્મી-પપ્પાને ખબર પણ નહોતી કે તેમની દીકરીની રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં પસંદગી થઈ છે. એક સમયે તો ખુશ્બૂનાં મમ્મી-પપ્પાની તેને રમવા માટે શૂઝ લઈ આપવાની પણ ક્ષમતા નહોતી, પણ કહાની ફુટબૉલ ઍકૅડેમીનાં ફાઉન્ડર મનીષા શાહ અને ખુશ્બૂ સરોજનાં કોચ લલિતા સાહનીએ જોઈતો તમામ સપોર્ટ અને સુવિધા આપ્યાં છે. કહાની ફુટબૉલ ઍકૅડેમીનાં ફાઉન્ડર મનીષા શાહ અને કોચ લલિતા સૈની આજે સરકારી સ્કૂલમાં ભણતી અને અન્ડર-પ્રિવિલેજ ૪૦ દીકરીઓને ફુટબૉલમાં કારકિર્દી બનાવવા માટે ટ્રેઇનિંગ આપી રહ્યાં છે તથા જરૂરી તમામ સુવિધા પણ પૂરી પાડી રહ્યાં છે.
સમાચાર સાંભળીને બીમાર મમ્મીએ શું કર્યું?
ખુશ્બૂએ જણાવ્યું કે ‘જ્યારે મારી પસંદગી રાષ્ટ્રીય ટીમમાં થઈ છે એની જાણ મારા કોચે કરતાં મને જાણે સપનું સાકાર થયું હોય એવું લાગ્યું હતું. મેં આ સમાચાર તરત જ મમ્મી-પપ્પાને આપ્યા હતા.’ મહત્ત્વની વાત એ છે કે જ્યારે ખુશ્બૂએ આ સમાચાર તેની મમ્મીને આપ્યા ત્યારે મમ્મી બીમાર હતી. કહેવાય છેને કે માતા પોતાના બાળકની પ્રગતિ થતી જુએ ત્યારે પોતાનાં તમામ દુખ-દર્દ ગાયબ થઈ જાય છે, એવી જ રીતે પોતાની દીકરીના આ સમાચાર સાંભળીને માતાની આંખમાં આંસુ આવી ગયાં હતાં અને તેણે તરત જ મંદિરે જઈને પોતાની દીકરીની સફળતા માટે ભગવાનનો આભાર માન્યો હતો અને વધુ સફળતા માટે આશીર્વાદ માગ્યા હતા.
ફિટનેસ પર વિશેષ ધ્યાન આપ્યું
કોચ લલિતા સાહનીએ કહ્યું કે ‘ખુશ્બૂના પરિવારમાં આવકનું કોઈ સાધન ન હોવાથી તેનાં મમ્મી-પપ્પા અન્યોનાં ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ખુશ્બૂ પોતે પણ ઘણી વાર મમ્મી-પપ્પા સાથે સવારે બીજાના ઘરે કામ કરવા જાય અને દરરોજ સાંજે ફુટબૉલની ટ્રેઇનિંગ માટે આવી જતી હતી. જોકે ખુશ્બૂમાં ફુટબૉલ માટે ઝનૂન હોવાને કારણે તે આજે આ કક્ષા સુધી પહોંચી શકી છે. પોતાના દમદાર પ્રદર્શનના આધારે ગુજરાતની સિનિયર મહિલા ટીમમાં સ્થાન મેળવી લીધા બાદ પણ તેણે પોતાનું પ્રદર્શન સતત ચાલુ રાખ્યું હતું. તેણે ગુજરાતની સિનિયર મહિલા ટીમ તરફથી નૅશનલ ચૅમ્પિયનશિપમાં રમતાં સૌથી વધુ ૬ ગોલ કર્યા હતા, પરંતુ કોરોનાની મહામારી બાદ જ્યારે ફરીથી રમવાની શરૂઆત થઈ ત્યારે ખેલાડીઓના ફિટનેસ-લેવલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં ખુશ્બૂનું ફિટનેસ થોડું નબળું પડતાં અમે વિશેષ ધ્યાન આપીને તેને ફરીથી મેદાન પર દોડતી કરી દીધી હતી અને એનું પરિણામ એ આવ્યું કે તેની આજે અન્ડર-17ની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થઈ છે.’