મીરાબાઈના જન્મથી લઈને દંતકથા મુજબ મૂર્તિમાં વિલીન થયાં ત્યાં સુધીના પ્રસંગોને આવરી લેતી કથાનું ગાન કરીને દ્વારકાધીશને અર્પણ કરવાનો પ્રયાસ
મીરા કથાનું રસપાન કરાવતા આનંદ જનક મહારાજ.
અમદાવાદઃ રામ કથા, ભાગવત કથા, શિવ કથા સહિત સાત દિવસની સપ્તાહમાં ધાર્મિક જનો કથા સાંભળવા જતા હોય છે ત્યારે આ કથાઓની સાથે હવે મીરા કથાનું પણ આયોજન થયું છે. અમદાવાદના પુનિત ભજન મંડળ દ્વારા ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકામાં સંભવિત રીતે પહેલી વાર પ્રેમદીવાની મીરાબાઈના જીવનકવન પર કથા યોજાઈ છે અને હાલમાં આ કથા ચાલી રહી છે. મીરાબાઈના જન્મથી લઈને દંતકથા મુજબ કહેવાય છે કે મૂર્તિમાં વિલીન થયાં ત્યાં સુધીના મીરાબાઈના પ્રસંગોને આવરી લઈ આનંદ જનક મહારાજ દ્વારા મીરા કથાનું ગાન થઈ રહ્યું છે અને ધાર્મિક જનો એનું રસપાન કરી રહ્યા છે.
મીરાબાઈની કૃષ્ણભક્તિ જગવિખ્યાત છે. તેમના વિશે અનેક દંતકથાઓ પણ છે. એમાં તેમની કૃષ્ણભક્તિની વાત અવશ્ય આવે જ. મીરાબાઈએ તેમનું જીવન ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કર્યું હતું અને અનેક ભક્તિગીતો રચ્યાં હતાં. શ્રીકૃષ્ણનાં અનન્ય ભક્ત મીરાબાઈના જીવનકવન પર ૧૬ ડિસેમ્બરથી દ્વારકામાં મીરા કથા શરૂ થઈ છે, જેનો આજે છેલ્લો દિવસ છે.
ADVERTISEMENT
વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહેલા આનંદ જનક મહારાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દ્વારકામાં મીરાબાઈના જીવનકવનની કથાનું અમે પહેલી વાર આયોજન કર્યું છે. પુનિત મહારાજે મીરાબાઈનું મહાઆખ્યાન લખ્યું છે અને એના આધારે મીરાબાઈની કથા કહેવામાં આવી રહી છે. મીરાબાઈની કથા કરવા માટે આમ તો સાત દિવસ કરતાં પણ વધુ સમય લાગે એમ છે. મીરાબાઈ પર ભગવાન દ્વારકાધીશની કૃપા થઈ હતી અને એટલે અમે દ્વારકામાં પહેલી વાર મીરા કથાનું આયોજન કર્યું છે. ભગવાનની કથા તો બધા કરે છે પણ તેમનાં ભક્ત મીરાબાઈનાં ગુણગાન ગાઈને દ્વારકાધીશને આનંદિત કરવાનો પ્રયાસ છે. ભગવાનને હંમેશાં તેમના ભક્તો પર ખૂબ પ્રેમ હોય છે ત્યારે મીરાબાઈનાં ગુણગાન કરીને સંભળાવીએ તો એનાથી બીજું ઉત્તમ કંઈ ન હોય. મીરાબાઈની કથા અર્પણ કરીને દ્વારકાધીશજીને રાજી કરવાનો આ પ્રયાસ છે.’


