Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૨૪,૦૦૦ સ્ટુડન્ટ્સે સુરતમાં બનાવી ૧૫ કિલોમીટર લાંબી હ્યુમન ચેઇન

૨૪,૦૦૦ સ્ટુડન્ટ્સે સુરતમાં બનાવી ૧૫ કિલોમીટર લાંબી હ્યુમન ચેઇન

Published : 16 December, 2023 12:45 PM | IST | Surat
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

સુરત ડાયમન્ડ બુર્સનું ઉદ્ઘાટન કરવા આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં સુરતમાં ‘ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સિટી’ના મેસેજ સાથે બનાવી માનવસાંકળ

સુરતમાં ગઈ કાલે સ્ટુડન્ટ્સે બનાવેલી હ્યુમન ચેઇન. એમાં ૩૪ સ્કૂલ અને ૨૨ કૉલેજના સ્ટુડન્ટ‍્સ જોડાયા હતા.

સુરતમાં ગઈ કાલે સ્ટુડન્ટ્સે બનાવેલી હ્યુમન ચેઇન. એમાં ૩૪ સ્કૂલ અને ૨૨ કૉલેજના સ્ટુડન્ટ‍્સ જોડાયા હતા.


અમદાવાદ ઃ દક્ષિણ ગુજરાતના વડા મથક સુરતમાં સુરત ડાયમન્ડ બુર્સનું ઉદ્ઘાટન કરવા આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ગઈ કાલે સુરતમાં ‘ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સિટીના મેસેજ સાથે ૪૩ સ્કૂલ અને ૨૨ કૉલેજના ૨૪,૦૦૦ સ્ટુડન્ટ્સે ૧૫ કિલોમીટર લાંબી હ્યુમન ચેઇન બનાવી હતી.

વિશ્વના સૌથી વિશાળ કૉર્પોરેટ ઑફિસ હબ સુરત ડાયમન્ડ બુર્સનું નરેન્દ્ર મોદી રવિવારે લોકાર્પણ કરશે. ૩૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૫.૫૪ એકરમાં નવનિર્મિત સુરત ડાયમન્ડ બુર્સ રફ અને પૉલિશ્ડ ડાયમન્ડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે. નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બને એ અગાઉ સ્વચ્છતાના તેમના મેસેજ ઉપરાંત ગ્રીન સિટી અને સેફ સિટીના મેસેજ સાથે શાળા-કૉલેજના ૨૪,૦૦૦ વિદ્યાર્થીઓ તેમ જ શહેરના નાગરિકોએ માનવસાંકળ રચી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, બીજેપીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો સહભાગી બન્યા હતા. સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે મીડિયાને કહ્યું હતું કે ‘૧૫ કિલોમીટર લાંબી હ્યુમન ચેઇન બનાવવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને બીજા નાગરિકો પણ છે જે બધા લોકોએ સ્વચ્છતા તેમ જ સલામતી માટે તેમની પ્રતિબદ્ધતા બતાવી હતી. મૂળ હેતુ એ હતો કે સુરત શહેરને વધુ સ્વચ્છ બનાવે અને સુરત શહેર ‘સેફ સુરત’ તરીકે વધુમાં વધુ સેફ બને.’



સુરત ડાયમન્ડ બુર્સના ચૅરમૅન વલ્લભ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૭ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે સાડાદસ વાગ્યે અહીં આવશે અને સુરત ડાયમન્ડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. ત્રણ કલાક કાર્યક્રમ ચાલશે. નરેન્દ્રભાઈને વર્લ્ડનું આ લાર્જ બિલ્ડિંગ બતાવીશું. ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત ઉપરાંત મુંબઈ સહિત દેશભરમાંથી તેમ જ ભારત ઉપરાંત અમેરિકા, બેલ્જિયમ, હૉન્ગકૉન્ગ સહિતના દેશોના હીરા ઉદ્યોગના ઉદ્યોગકારો અને વેપારીઓ આવશે. જે દેશમાં ડાયમન્ડને લગતી ઇન્ડસ્ટ્રીઝ તેમ જ સંસ્થા હશે એ દેશના પ્રતિનિધિઓ આવશે.’


સુરત ડાયમન્ડ બુર્સની કોર કમિટીના સભ્ય મથુર સવાણીએ કહ્યું હતું કે ‘સુરત ડાયમન્ડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનશે. ડાયમન્ડ બુર્સ સાકાર થવાથી દુનિયાના દેશો પૉલિશ્ડ ડાયમન્ડની ખરીદી માટે સુરત આવતા થશે. અહીં ૪૨૦૦થી વધુ ઑફિસ છે. સુરત, મુંબઈ સહિત વિદેશના હીરાના વેપારીઓએ અહીં ઑફિસ ખરીદી છે એને કારણે એક જ જગ્યાએ રફ ડાયમન્ડનું ટ્રેડિંગ અને પૉલિશ્ડ ડાયમન્ડનું ટ્રેડિંગ થશે. એ ઉપરાંત ૧.૫ લાખ લોકોને રોજગારીની તક મળશે. આ બુર્સ પ્લૅટિનમ, સિલ્વર ડાયમન્ડ, લૅબ ગ્રોન ડાયમન્ડના વન સ્ટૉપ ડેસ્ટિનેશન તરીકે ઊભરી આવશે અને વિશ્વના બાયર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.’

સુરત ડાયમન્ડ મૅન્યુફૅક્ચરિંગમાં વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે એની સાથોસાથ સુરતના ખજોદ વિસ્તારમાં બનેલા સુરત ડાયમન્ડ બુર્સના પગલે સુરત હવે ડાયમન્ડ ટ્રેડિંગનું પણ હબ બનશે. ડાયમન્ડ બુર્સમાં ૪૫૦૦થી વધુ ઑફિસ એકમેક સાથે જોડાયેલી છે. દુનિયાભરના ડાયમન્ડ રૉ મટીરિયલ્સની હરાજી, રફ, કટ ઍન્ડ પૉલિશ્ડ ડાયમન્ડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમન્ડ, ગોલ્ડ, સિલ્વર, પ્લૅટિનમ જ્વેલરી સહિતની હાઈ વૅલ્યુ ગુડ્સ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે. ૧૭૫ દેશના વેપારીઓને સુરતમાં પૉલિશ્ડ ડાયમન્ડ ખરીદવા માટેનું આગવું પ્લૅટફૉર્મ મળશે. આ બુર્સમાં ૨૭ ઇન્ટરનૅશનલ જ્વેલરી શોરૂમ બનશે. 


સુરત ડાયમન્ડ બુર્સના ઉદ્ઘાટન માટે ૧૭ ડિસેમ્બરે સુરત આવી રહેલા નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સુરક્ષા માટે ૩૦૦૦ પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે. બીજી તરફ સુરત ઍરપોર્ટનું નામ ‘નરેન્દ્ર મોદી ઍરપોર્ટ’ રાખવાની માગ ઊઠી છે. 

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2023 12:45 PM IST | Surat | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK