ચોટીલાથી દર્શન કરીને પાછા ફરતાં થયો અકસ્માત, પંક્ચર પડ્યું હોવાથી રોડ સાઇડે ઊભેલી ટ્રક સાથે પાછળથી ટેમ્પો અથડાયો, ૫ મહિલા, ૩ બાળકો અને ૨ પુરુષોનાં મૃત્યુ
બાવળા–બગોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં ટ્રકને પાછળથી અથડાયેલો ટેમ્પો. જનક પટેલ.
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં બાવળા–બગોદરા હાઇવે પર ગઈ કાલે ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં ચોટીલાથી દર્શન કરીને પાછી ફરી રહેલી ૧૦ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૯ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા. આ ગંભીર ઘટનામાં કપડવંજના સુણદા ગામના ઝાલા પરિવારના છ સભ્યો અને બાલાસિનોર તાલુકાના ભાંથલા ગામના સોલંકી પરિવારના ત્રણ સભ્યોનાં મૃત્યુ થતાં ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.
કપડવંજના સુણદા ગામના ઝાલા પરિવારના સભ્યો, કઠલાલ તાલુકાના મહાદેવપુરાની એક મહિલા તેમ જ બાલાસિનોર તાલુકાના ભાંથલા ગામના સોલંકી પરિવારના સભ્યો એક ટેમ્પોમાં બેસીને ચોટીલાથી દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા એ દરમ્યાન બગોદરાના મીઠાપુરા પાટિયા પાસે પંક્ચર પડ્યું હોવાથી એક ટ્રક રોડ સાઇડે ઊભી હતી એને આ ટેમ્પો પાછળથી અથડાયો હતો. જેને કારણે ટેમ્પોમાં બેઠેલી ૫ મહિલા, ૩ બાળકો અને ૨ પુરુષોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને અમદાવાદની સોલા અને અસારવા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ મીડિયાને કહ્યું હતું કે ‘ટેમ્પોમાં બેઠેલા ૨૩ લોકો પૈકી ૧૦ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. ગુડ્સ વેહિકલમાં ૨૩ લોકો બેઠા હતા એટલે એ ઓવરલોડિંગ પણ કહી શકાય. ટેમ્પો પાછળથી અથડાતાં એમાં બેઠેલા લોકોનાં હેડ ઇન્જરી અને અન્ય ઈજાઓથી મૃત્યુ થયાં છે.’
કપડવંજના સુણદા ગામના ઝાલા પરિવારના ૬ સભ્યોનાં, બાલાસિનોરના ભાંથલા ગામના સોલંકી પરિવારના ૩ સભ્યોનાં અને કઠલાલ તાલુકાના મહાદેવપુરા ગામની એક મહિલાનાં મૃત્યુથી આ ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.


