Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : બજરંગબલી બાળકોના કેમ ફેવરિટ છે?

કૉલમ : બજરંગબલી બાળકોના કેમ ફેવરિટ છે?

19 April, 2019 10:59 AM IST |
વર્ષા ચિતલિયા

કૉલમ : બજરંગબલી બાળકોના કેમ ફેવરિટ છે?

બાલ હનુમાન (P.C. - whoa.in)

બાલ હનુમાન (P.C. - whoa.in)


યંગ વર્લ્ડ

ભગવાન શ્રી રામના ભક્ત હનુમાનજીનો આજે જન્મદિવસ છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે જન્મેલા હનુમાનજી અજરાઅમર છે. કહે છે કે રામકથા ચાલતી હોય ત્યાં તેઓ સાક્ષાત્ હાજરી આપે છે. બજરંગબલી, પવનસુત, મહાવીર, સંકટમોચન, કપિ, અંજનિપુત્ર, મારુતિ, કેસરીનંદન જેવાં અઢળક નામ ધરાવતા હનુમાનજી વિશેની પૌરાણિક દંતકથાઓ, પરંપરાગત માન્યતાઓ અને તેમની સિદ્ધિઓથી સૌકોઈ પરિચિત છે. ભક્તિ, શક્તિ, યુક્તિ અને નિર્ભયતાના પ્રતીક બજરંગબલી આજની જનરેશનને પણ એટલા જ આકર્ષે છે. આજે હનુમાનજયંતીના પાવન અવસરે આપણે તેમના વિશેની બાળકોને ગમે એવી અવનવી વાતો જાણીશું.



વાસ્તવમાં હિન્દુ દેવી-દેવતાઓનાં સ્વરૂપ નાનાં બાળકો માટે હંમેશાંથી કુતૂહલનો વિષય રહ્યાં છે. નવા જમાનાનાં બાળકો ગ્રંથો અને વાર્તાઓ તો કદાચ વાંચતાં નહીં હોય, પણ કાટૂર્ન ચૅનલ્સ અને ઍનિમેટેડ ફિલ્મના કારણે હનુમાનજી, ગણેશજી, ભીમ અને કૃષ્ણ ભગવાન તેમના રોલ-મૉડેલ બન્યા છે. બજરંગબલીના ચરિત્ર, બળ અને બુદ્ધિચાતુર્યથી પ્રભાવિત બાળકોને પૂછીએ કે હનુમાનજી વિશે તેઓ કેટલું જાણે છે તેમ જ તેમની કઈ ક્વૉલિટી બેસ્ટ લાગે છે?


હનુમાનજી બધાને હેલ્પ કરે છે એ વાત મને બેસ્ટ લાગે છે એવો જવાબ આપતાં નવ વર્ષનો ધૈર્ય મારુ કહે છે, ‘શ્રી રામ ભગવાને જ્યારે લક્ષ્મણ માટે મેડિસિન લઈ આવવા કહ્યું ત્યારે તેઓ દૂર દૂર પર્વત પર પહોંચી ગયા હતા. હનુમાનજીને દવા ખબર ન પડી તો આખો પર્વત ઉપાડી લીધો. આ જોઈને પહેલાં મને થતું કે આટલો મોટો પર્વત કઈ રીતે ઉપાડી શકાય? પછી સમજાયું કે તમે કોઈને ખરેખર હેલ્પ કરવા માગતા હો તો ભગવાન તમને હનુમાનજી જેવી શક્તિ આપે છે. રામ ભગવાનની બધી વાત તેઓ માને છે એ બાબત મને અટ્રૅક્ટ કરે છે. હનુમાનજી પાસે ડિફરન્ટ આઇડિયાઝ પણ છે. રાવણની લંકામાં આગ લગાવવાની હતી ત્યારે તેમણે પોતાની પૂંછડીમાં આગ લગાવી કૂદાકૂદ કરી હતી. આ બધું મેં પિક્ચરમાં જોયું છે. મારી દૃષ્ટિમાં હનુમાનજી પાવરફુલ છે અને ઇન્ટેલિજન્ટ પણ છે.’

હનુમાન ચાલીસા બોલવાથી ભૂત ભાગી જાય છે એવી મને ખબર છે એમ જણાવતાં દસ વર્ષનો પાર્થ પારઘી કહે છે, ‘હનુમાન ચાલીસાના એક શ્લોકમાં લખ્યું છે કે ભૂત-પિશાચ નિકટ ન આવે. ભૂતનો ડર લાગતો હોય તો એવાં બાળકોએ રાતે સૂતા પહેલાં હનુમાન ચાલીસા બોલવા જોઈએ. આ સિવાય દરરોજ પઠન કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. મારા ટ્યુશન ટીચર ભણાવતાં પહેલાં હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયન ધર્મની પ્રાર્થના કરાવે છે. એમાં હનુમાન ચાલીસા બોલીએ છીએ એટલે મોઢે થઈ ગયું છે. એનાથી સ્ટ્રેસ દૂર થાય છે અને સ્ટડી પર ફોકસ રાખી શકાય છે. બજરંગબલી બુદ્ધિશાળી પણ છે. રાવણની લંકામાં જવા માટે દરિયા પર પુલ બાંધવાનો હતો ત્યારે પથ્થર પર રામ લખવાનો આઇડિયા તેમને જ આવ્યો હતો. રામનામથી પથ્થર પણ પાણીમાં તરવા લાગે છે. ભગવાન પર ભરોસો મૂકવો જોઈએ એવું તેઓ આપણને સમજાવે છે.’


હું હનુમાનજીની કથાઓ સાંભળીને જ મોટી થઈ છું એમ જણાવતાં ચૌદ વર્ષની યશવી સોની કહે છે, ‘નાનપણથી જ મારાં બા રાતે સૂતાં પહેલાં મને હનુમાનજીની વાર્તાઓ સંભળાવતાં. તેમનો જન્મ કેવી રીતે થયો, તેમણે પ્રભુ રામને કઈ રીતે સહાય કરી એ બધું જ ખબર છે. એક વાર તેઓ સૂર્ય ભગવાનને ફ્રૂટ સમજીને ગળી ગયા અને આખી પૃથ્વી પર અંધારું છવાઈ ગયું હતું. બધાએ તેમને વિનંતી કરી ત્યારે સૂરજદાદાને બહાર કાઢ્યા એ પણ યાદ છે. બાએ મને આખાં હનુમાન ચાલીસા શીખવાડ્યા છે અને હું રોજ બોલું છું. મને સૌથી વધુ એમની ગદા અટ્રૅક્ટ કરે છે. નાની હતી ત્યારે હું ઇમેજિન કરતી કે ગદામાં મૅજિક છે. હજુ આજે પણ બિલીવ કરું છું કે હનુમાનજીનો બધો પાવર તેમની ગદામાં જ છે. મને લાગે છે કે આપણે તેમની પાસેથી સેવાભાવ અડૉપ્ટ કરવો જોઈએ. પ્રભુ રામ માટેનું તેમનું જે ડેડિકેશન છે એ આપણને ઘણુંબધું શીખવે છે.’

બાળકોની વાત સાંભળી પ્રતીત થાય છે કે આજની જનરેશનને પૌરાણિક પાત્રોમાં રસ પડે છે. હનુમાનજી પાસેથી તેઓ ઘણુંબધું શીખ્યાં છે. તેમની નજરમાં બજરંગબલી સુપરહીરો છે.

વિશ્વશાંતિ માટે હનુમાન ચાલીસાનું પઠન

૩૧મી જાન્યુઆરી, ૨૦૧૫ના દિવસે દક્ષિણ ભારતના તેનાલી ગામમાં અનોખો રેકૉર્ડ બન્યો હતો. આ દિવસે મૈસુરસ્થિત દત્તપીઠના પૂજારી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીના નેતૃત્વ હેઠળ એક લાખ ત્રીસ હજાર લોકોએ સતત ચાર કલાક સુધી હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. વિશ્વશાંતિ માટે આયોજિત આ પઠન સમયે હનુમાનજીની મોટી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. આ ઘટનાને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે.

મહાભારતના યુદ્ધમાં પણ હનુમાનજી

કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધમાં અજુર્નના રથ પર મૂકવામાં આવેલા ધ્વજ પર હનુમાનજીને દર્શાવવામાં આવ્યા હતા. દંતકથા અનુસાર યુદ્ધભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણની વાણીમાંથી પ્રગટેલી ભગવદ્ગીતાને અજુર્ન, સંજય અને ઘટોત્કચ ઉપરાંત જો કોઈએ સાંભળી હોય તો એ હનુમાનજી હતા. તેમણે શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપનાં દર્શન પણ કર્યાં હતાં.

તમને ખબર છે બજરંગબલી કેટલા તોફાની હતા?

પૌરાણિક કથાઓ અનુસાર નાનપણમાં હનુમાનજી બહુ જ તોફાની હતા. જંગલમાં તપ કરી રહેલા ઋષિ-મુનિઓને તેઓ ઊછળકૂદ કરીને હેરાન કરતા હતા. તેમની હેરાનગતિથીથી ત્રાસીને એક ઋષિએ શ્રાપ આપ્યો હતો કે જ્યાં સુધી તેમને કોઈ બીજી વ્યક્તિ યાદ નહીં દેવડાવે ત્યાં સુધી તેમની શક્તિઓ વાપરી નહીં શકે. અને તેમનો બધો પાવર ભુલાઈ ગયો. હનુમાનજી જ્યારે સીતાજીને શોધવા માટે નીકળ્યા ત્યારે જામવંતે તેમને શક્તિઓ યાદ દેવડાવી હતી.

આ પણ વાંચો : ઉનાળા માટે તમે વૉર્ડરોબને અપડેટ કર્યું છે કે નહીં?

બજરંગબલી મુવીમાં

વર્ષ ૨૦૦૫માં પર્સેપ્ટ પિક્ચર્સ ઍન્ડ સિલ્વરટુન પ્રોડક્શનની ક્ષિતિજ સિંહના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હનુમાન’ ભારતની પ્રથમ ઍનિમેટેડ મુવી હતી. હિન્દી અને તેલુગુ એમ બે ભાષામાં બનેલી આ ફિલ્મમાં ૨D ઍનિમેશનનો ઉપયોગ થયો હતો. ૮.૧૮ કરોડના બિઝનેસ સાથે આ મુવી સુપરહિટ રહી હતી. ૨૦૦૭માં રિલીઝ થયેલી ‘રિટર્ન ઑફ હનુમાન’ એની સિક્વલ હતી. આ સિવાય ૨૦૦૬-૧૨ સુધી બાલ હનુમાન નામની સિરીઝ પણ બાળકોમાં પૉપ્યુલર થઈ હતી. ગયા વર્ષે રજૂ થયેલી યશરાજ ફિલ્મનિર્મિત ૩D મુવી ‘હનુમાન વર્સીસ મહીરાવણ’ પણ હિટ રહી હતી. અત્યાર સુધીમાં હનુમાનજી પર બૉલીવૂડમાં પાંચ ફિલ્મ બની છે. ૧૯૭૬માં બનેલી બજરંગબલીમાં દારા સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

હનુમાનજી આપણને એકબીજાને હેલ્પ કરતાં શીખવાડે છે. તેઓ પાવરફુલ અને ઇન્ટેલિજન્ટ છે - ધૈર્ય મારુ

નાનપણમાં હું ઇમેજિન કરતી કે ગદામાં મૅજિક છે. આજે પણ માનું છું કે હનુમાનજીનો બધો પાવર તેમની ગદામાં છે. - યશવી સોની

હનુમાન ચાલીસા બોલવાથી સ્ટડી પર ફોકસ રાખી શકાય છે અને ભૂત પણ ભાગી જાય છે - પાર્થ પારઘી

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2019 10:59 AM IST | | વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK