તમને ખબર છે, રામમંદિર બનાવવા માટે પગથી માપ લેવાયું હતું

Updated: Nov 10, 2019, 10:33 IST | Shailesh Nayak | Ahmedabad

૨૯ વર્ષ પહેલાં અયોધ્યામાં અશોક સિંઘલ બહાર બેઠા અને ચંદ્રકાન્ત સોમપુરાએ અંદર જઈને કોઠાસૂઝથી રામમંદિર બનાવવા પગથી માપ લઈ લીધું હતું. આવો, ભવ્ય રામમંદિરનો પ્લાન બનાવનાર ચંદ્રકાન્ત સોમપુરાએ મિડ-ડે સાથે કરી ખાસ વાત.

ચંદ્રકાન્ત સોમપુરા
ચંદ્રકાન્ત સોમપુરા

29 વર્ષ પહેલાં અયોધ્યામાં અશોક સિંઘલ બહાર બેઠા અને ચંદ્રકાન્ત સોમપુરાએ અંદર જઈને કોઠાસૂઝથી રામમંદિર બનાવવા પગથી માપ લઈ લીધું હતું. આવો, ભવ્ય રામમંદિરનો પ્લાન બનાવનાર ચંદ્રકાન્ત સોમપુરા સાથે વાત કરીએ...

વર્ષો પહેલા અયોધ્યામાં શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવાનું આયોજન થયું હતું
અયોધ્યામાં ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવા માટેનું આયોજન વર્ષો પહેલાં થયું હતું અને ત્યારે 1990 માં જ્યારે રામજન્મભૂમિના સ્થળે દર્શન કરવા જવા માટે અંદર કંઈ પણ લઈ જવા દેતા નહોતા ત્યારે અમદાવાદના ચંદ્રકાન્ત સોમપુરા અંદર ગયા હતા અને અંદર જઈને તેમણે કોઈ પણ જાતનાં સાધનો વગર અંદર ફરતાં-ફરતાં કોઠાસૂઝથી પગથી માપ લઈને બહાર આવીને રામમંદિર માટેનો સ્કેચ અને મંદિરનો પ્લાન બનાવ્યો હતો.


અચરજ પમાડે એવી વાત એ છે કે એ સમયે અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અશોક સિંઘલ બહાર બેઠા હતા અને ચંદ્રકાન્ત સોમપુરાએ અંદર જઈને રામમંદિર બનાવવા માટે પગથી માપ લઈ લીધું હતું. વાત જાણે એમ હતી કે અયોધ્યામાં રામમંદિર બનાવવા માટેનું આયોજન થઈ રહ્યું હતુ ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અશોક સિંઘલે વંશપરંપરાગત મંદિરો બનાવતા અમદાવાદના ચંદ્રકાન્ત સોમપુરાને રામમંદિર બનાવવા માટે આર્કિટેક્ટ તરીકે કામ સોંપ્યું હતું. 1990 માં રામમંદિર બનાવવા માટે અયોધ્યામાં જગ્યા બતાવવા માટે જ્યારે ચંદ્રકાન્ત સોમપુરાને અશોક સિંઘલ અયોધ્યા લઈ ગયા ત્યારે અશોક સિંઘલે તેમને જગ્યા બતાવતાં કહ્યું હતું કે ‘અહીં ભવ્ય રામમંદિર બનાવવું છે. તમારી સાથે હું અંદર આવીશ તો તમને પગથી પણ માપવા નહીં દે.’

અમદાવાદના ચંદ્રકાન્ત સોમપુરાને રામમંદિર બનાવવા માટે કામ સોપ્યું હતું
અમદાવાદના ચંદ્રકાન્ત સોમપુરાને રામમંદિર બનાવવા માટે આર્કિટેક્ટ તરીકે કામ સોંપ્યું હતું. અંદાજે 400 કારીગરોની મદદથી અત્યાર સુધીમાં રામમંદિર માટેનું 40 ટકા કામ પૂરું થઈ ગયું છે. 30 વર્ષ પહેલાં મંદિર માટેના પથ્થર બનાવવાનું કામ શરૂ કર્યું હતું. અયોધ્યામાં ભગવાન શ્રીરામનું 270 ફુટ લાંબું, ૧૪૫ ફુટ પહોળું અને 141 ફુટ ઊંચું મંદિર બનાવવાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને એ પ્લાનિંગ મુજબ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે હાલમાં એ કામ બંધ છે.

ચંદ્રકાન્ત સોમપુરાએ મિડ-ડે સાથે કરી વાત
29 વર્ષ પહેલાંનાં સંસ્મરણોને યાદ કરતાં ચંદ્રકાન્ત સોમપુરાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘1990 માં અશોક સિંઘલ મને અયોધ્યા લઈ ગયા હતા. અશોક સિંઘલસાહેબ અને મારે કોઈ ઓળખાણ નહોતી, પણ બિરલાનાં મંદિરો અમે ઘણાં બનાવ્યાં હતાં. અમે નાગદામાં બિરલા ફૅક્ટરીમાં મંદિર બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અશોક સિંઘલે મને દિલ્હી બોલાવ્યા હતા. અશોક સિંઘલ મને લેવા ઍરપોર્ટ પર આવ્યા હતા. બીજા દિવસે મને તેઓ અયોધ્યા લઈ ગયા હતા અને જગ્યા બતાવીને કહ્યું કે અહીં ભવ્ય રામમંદિર બનાવવું છે. આમ તો મેં સાંભળ્યું હતું કે અહીં રામજન્મભૂમિ છે અને કંઈક કરવાનું છે. અમે એ જગ્યાએ ગયા પછી ખ્યાલ આવ્યો કે અહીં તો માપવા દે એવું છે નહીં એટલે પગથી બધું માપી લીધું હતું.

પગથી માપીને મેઝરમેન્ટ લીધાં હતાં અને બહાર આવીને સ્કેચ અને મંદિરનો પ્લાન બનાવ્યો હતો. એ સમયે અંદર પરિસરમાં પેન પણ નહીં લઈ જવાની. અંદર કંઈ પણ લઈ જવાની મનાઈ હતી. અશોક સિંઘલ બહાર બેઠા અને મને કહ્યું કે તમારી સાથે હું આવીશ તો પગથી પણ માપવા નહીં દે. પરિસરમાં દર્શન કરવા જવા દેતા હતા એટલે ફરતા હોઈએ એમ કોઈને ખ્યાલ ન આવે. એ રીતે ફરતાં-ફરતાં મેં ડગલાં ભરીને પગથી રામમંદિર બનાવવા માટેનું માપ લઈ લીધું હતું. પગથી ડગલાં માંડીને માપ લેવા માટે હું 15 થી 20 મિનિટ સુધી ચાલ્યો હતો. ત્રણ રૂમ હતી અને આગળ ખુલ્લું મેદાન હતું. રૂમનાં માપ મેં લીધાં હતાં. ગર્ભગૃહનું માપ લેવાનું હતું એથી ત્રણ રૂમમાં ફરીને માપ લઈ લીધું હતું.’

માપ લીધા બાદ રામમંદિર બનાવવા માટે બે ડિઝાઇન બનાવી હતી
ચંદ્રકાન્ત સોમપુરા રામમંદિરના નિર્માણકાર્યની વાત કરતાં કહે છે, ‘મંદિરનું માપ લીધા પછી રામમંદિર બનાવવા માટે બે ડિઝાઇન બનાવી હતી જેમાંથી એક ડિઝાઇન સંતોની સભામાં પાસ કરી હતી. રામમંદિરનું મૉડલ બનાવ્યું ત્યાં સુધી ખાસ કોઈ ઇન્વૉલ્વ નહોતું, પણ મૉડલ બન્યા પછી બધા ઇન્વૉલ્વ થયા હતા. રામમંદિરના આર્કિટેક્ટ તરીકે મને કામ સોંપ્યું એટલે મેં કામ કર્યું હતું. અંદાજે ત્રીસેક વર્ષ પહેલાં મંદિરના પથ્થર બનાવવાનું કામ શરૂ કર્યું હતું, પણ ૧૯૯૨ પછી વધારે કામ થયું હતું. 40 ટકા પથ્થર પર કોતરણીકામ પૂરું થઈ ગયું છે. જોકે અત્યારે કામ બંધ છે.’

40 ટકા જેટલી કામગીરી થઇ છે
40 ટકા કામગીરીની વાત કરતાં ચંદ્રકાન્ત સોમપુરા અને તેમના બે દીકરા નિખિલ સોમપુરા અને આશિષ સોમપુરા ‘મિડ-ડે’ને કહે છે, ‘40 ટકા કામગીરી થઈ છે એમાં ત્રણ જગ્યાએ કામ ચાલતું હતું. અયોધ્યા કારસેવકપુરમ ઉપરાંત રાજસ્થાનના શિરોહી જિલ્લામાં અજારી, કોજરા અને પિંડવાડા ગામમાં કામ ચાલતું હતું. આ કામગીરીમાં અંદાજે ૩૫૦થી ૪૦૦ જેટલા કારીગરો કામ કરતા હતા. મંદિર માટેના પથ્થર રાજસ્થાનના ભરતપુરથી આવ્યા હતા. રામમંદિર માટે 40 ટકા કામ થયું છે એમાં એક લાખ ઘનફીટ પથ્થર વપરાયા છે. આ બધા પથ્થર અયોધ્યા કારસેવકપુરમ પહોંચી ગયા છે.’

રામમંદિર 270 ફુટ લાંબું અને 145 ફુટ પહોળું અને 141 ફુટ ઊચું હશે
રામમંદિર કેવું હશે એ વિશે વાત કરતાં ચંદ્રકાન્ત સોમપુરા કહે છે, ‘રામમંદિર 270 ફુટ લાંબું, 145 ફુટ પહોળું અને 141 ફુટ ઊંચું હશે. રામમંદિરમાં 150 પિલર હશે. દરેક પિલર પર ભગવાનની મૂર્તિ આવશે. સૂર્યનાં સ્વરૂપો પણ પિલર પર હશે. રામમંદિરના ગર્ભગૃહ પર એક શિખર તેમ જ ગુઢ મંડપ તેમ જ નૃત્ય મંડપની ઉપર શામરણ આવશે. આ ઉપરાંત સીતાજી, ગણપતિજી, હનુમાનજીનાં મંદિર જુદાં બનશે.’

હવે મંદિર બનાવવામાં ઓછામાં ઓછા અઢીથી ત્રણ વર્ષ લાગી શકે છે
મંદિર બનાવવા વિશે ચંદ્રકાન્ત સોમપુરા કહે છે, ‘અત્યારે મંદિર બનાવવાનું કામ બંધ છે. જો હવે મંદિર બનાવવાનું શરૂ કરીએ તો રામમંદિર બનતાં ઓછામાં ઓછાં અઢીથી ત્રણ વર્ષ લાગે એમ છે, કેમ કે હજી 60 ટકા કામ બાકી છે અને ફાઉન્ડેશન પણ બાકી છે. ’ મંદિર માટે આ બે દિવસમાં તમારો કોઈએ સંપર્ક કર્યો ખરો એવું પૂછતાં ચંદ્રકાન્ત સોમપુરા કહે છે, ‘ના કોઈએ નહીં.’

100 થી વધુ મંદિર બનાવી ચૂક્યા છે ચંદ્રકાન્ત સોમપુરા
વંશપરંપરાગત રીતે કોઠાસૂઝથી વર્ષોથી જુદા-જુદા ધર્મ કે સંપ્રદાયોનાં ૧૦૦થી વધુ મંદિર બનાવી ચૂકેલા 77 વર્ષના ચંદ્રકાન્ત સોમપુરા કહે છે, ‘સોમનાથ મંદિર મારા દાદાએ બનાવ્યું હતું. કૃષ્ણ જન્મભૂમિ–મથુરાનું મંદિર દાદાએ બનાવ્યું હતું. અક્ષરધામ–અંબાજી મંદિર અમે બનાવ્યું છે. જૈનોના શંખેશ્વર–પાલિતાણામાં મોટાં-મોટાં મંદિર અમે બનાવ્યાં છે.’

ચંદ્રકાન્ત સોમપુરા વધુમાં કહે છે, ‘હું વંશપરંપરાગત રીતે આ કામગીરી શીખ્યો છું. કોઠાસૂઝ અને બાપદાદા પાસેથી આ કળા હું શીખ્યો છું. જોકે મારો પુત્ર આશિષ આર્કિટેક્ટ છે. પહેલાંની અને અત્યારની ટેક્નૉલૉજીમાં ફેર પડ્યો છે એટલે પહેલાં કરતાં અત્યારે કામ કરવું સહેલું થઈ ગયું છે.’ ચંદ્રકાન્ત સોમપુરાને તેમના બે પુત્રો નિખિલ અને આશિષ મદદ કરી રહ્યા છે. નિખિલ તો મંદિરના નિર્માણકાર્યને લઈને ચારેક વાર અયોધ્યા જઈ આવ્યો છે.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

1) 1990 માં અમદાવાદના ચંદ્રકાન્ત સોમપુરાને અશોક સિંઘલ અયોધ્યા લઈ ગયા હતા અને કહ્યું કે ‘અહીં ભવ્ય રામમંદિર બનાવવું છે. તમારી સાથે હું અંદર આવીશ તો તમને પગથી પણ માપવા નહીં દે.’

2) વંશપરંપરાગત મંદિરો બનાવતા અમદાવાદના ચંદ્રકાન્ત સોમપુરાને રામમંદિર બનાવવા માટે આર્કિટેક્ટ તરીકે કામ સોંપ્યું હતું. અત્યાર સુધીમાં રામમંદિર માટે 40 ટકા કામ પૂરું થઈ ગયું છે. ત્રીસેક વર્ષ પહેલા મંદિરના પથ્થર બનાવવાનું કામ શરૂ કર્યું હતું.

3) 270 ફૂટ લાંબું, 145 ફુટ પહોળું અને 141 ફુટ ઊંચું રામમંદિર બનાવવાની ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને એ પ્લાનિંગ મુજબ કામ શરૂ કરી દેવાયું હતું. જોકે હાલમાં એ કામ બંધ છે.

4) રામમંદિરમાં 250 પિલર હશે. રામમંદિરના ગર્ભગૃહ પર એક શિખર તેમ જ ગુઢ મંડપ તેમ જ નૃત્ય મંડપની ઉપર શામરણ આવશે.

5) અંદાજે 350 થી 400 જેટલા કારીગરો કામ કરતા હતા. રામમંદિર માટે 40 ટકા કામ થયું છે. એમાં એક લાખ ઘનફીટ પથ્થર વપરાયા છે. આ બધા પથ્થર અયોધ્યા કારસેવકપુરમ પહોંચી ગયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK